ઉત્તર કોરિયાના ક્રૂર તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર દુનિયા સામે પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. એક તરફ કિમ જોંગ ઉન ગુપ્ત લોકેશન પર આવેલી વિશાળ મિસાઈલ ફેક્ટરીની મુલાકાત લઈ રહ્યા છે, તો બીજી તરફ તેમની શક્તિશાળી બહેન કિમ યો જોંગે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે દેશના પરમાણુ હથિયારોને ખતમ કરવાનો હવે કોઈ સવાલ જ ઊભો થતો નથી.


મિસાઈલ ઉત્પાદન ૨.૫ ગણું કરવાનો ટાર્ગેટ

ઉત્તર કોરિયાની સરકારી મીડિયા એજન્સી KCNA દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં કિમ જોંગ ઉન ઉચ્ચ અધિકારીઓ સાથે મિસાઈલ પ્રોડક્શન ફેસિલિટીનું નિરીક્ષણ કરતા જોવા મળે છે. સુરક્ષા કારણોસર આ જગ્યાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. આ મુલાકાત શનિવાર, 6 જૂનના રોજ થઈ હતી. મુલાકાત દરમિયાન કિમ જોંગ ઉને દેશની મિસાઈલ ક્ષમતાને બમણાથી પણ વધુ કરવાનો આદેશ આપ્યો છે. મિસાઈલ એડમિનિસ્ટ્રેશનની લાંબા ગાળાની યોજનાનો અહેવાલ જોયા બાદ તેમણે અધિકારીઓને કડક સૂચના આપી હતી કે વર્તમાન પંચવર્ષીય યોજના હેઠળ વાર્ષિક ધોરણે મિસાઈલોનું ઉત્પાદન ૨.૫ ગણું વધારવું અનિવાર્ય છે, જેથી સેનાની જરૂરિયાતો પૂરી કરી શકાય.

પરમાણુ હથિયારો પર બહેનનો અમેરિકાને બેટોક જવાબ

આ સૈન્ય હલચલ વચ્ચે કિમ જોંગ ઉનની પ્રભાવશાળી બહેન કિમ યો જોંગનું એક ખૂબ જ આક્રમક નિવેદન સામે આવ્યું છે. તેમણે અમેરિકા અને તેના સહયોગી દેશો પર નિશાન સાધતા કહ્યું કે, ઉત્તર કોરિયાને પરમાણુ મુક્ત કરવાની વાતો કરવી તદ્દન નકામી છે. ઉત્તર કોરિયા એક પરમાણુ સંપન્ન દેશ છે અને તે પોતાના આ દરજ્જા કે હથિયારોથી ક્યારેય પાછળ હટશે નહીં. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઉત્તર કોરિયા કોઈપણ આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકવા તૈયાર નથી.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના પ્રવાસ પહેલા કૂટનીતિક સંકેત

ઉત્તર કોરિયાની આ સૈન્ય આક્રમકતા એવા સમયે જોવા મળી રહી છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્યોંગયાંગની મુલાકાતે આવવાના છે. વર્ષ 2019 પછી શી જિનપિંગનો આ પહેલો ઉત્તર કોરિયા પ્રવાસ છે અને આ વર્ષની તેમની આ પ્રથમ વિદેશ યાત્રા પણ છે. ચીની રાષ્ટ્રપતિના આ અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રવાસના બરાબર એક દિવસ પહેલા જ મિસાઈલ ફેક્ટરીની તસવીરો જાહેર કરીને અને પરમાણુ નીતિ પર અડગ રહીને ઉત્તર કોરિયાએ વૈશ્વિક સ્તરે મોટા કૂટનીતિક સંકેતો આપ્યા છે.

આ પણ વાંચો:Japan:જાપાનમાં પ્લાસ્ટિક ઉત્પાદનોની ભારે અછત,પેકેજિંગ કલરફૂલમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ બન્યા

  • Follow us on: