આજે ઉત્તર કોરિયાનું નામ સાંભળતા જ સખત નિયમો, બંધિયાર સમાજ અને તાનાશાહી છાપ મનમાં ઉપસી આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કિમ પરિવારના શાસન પહેલાં ઉત્તર કોરિયામાં લોકોનું દૈનિક જીવન કેવું હતું? વર્ષ 1948માં ઉત્તર કોરિયાની સ્થાપના થઈ તે પહેલાં આ વિસ્તારની સ્થિતિ અને સંસ્કૃતિ સંપૂર્ણપણે જુદી હતી.
જાપાનીઝ શાસન અને ઔદ્યોગિક વિકાસ
1910 થી 1945 દરમિયાન સમગ્ર કોરિયન દ્વીપકલ્પ પર જાપાનનું શાસન હતું. આ સમયગાળા દરમિયાન જાપાને ઉત્તર ભાગમાં ભારે ઉદ્યોગો, ખાણકામ, વિજળી માટેના મોટા બંધ અને કારખાના વિકસાવ્યા હતા. તે સમયે દક્ષિણ ભાગ ખેતીપ્રધાન હતો, જ્યારે ઉત્તર ભાગ આર્થિક રીતે ઝડપથી વિકસિત થઈ રહ્યો હતો. લોકો મુખ્યત્વે મજૂરી, ખેતી અને વેપાર-ધંધા સાથે જોડાયેલા હતા.
'પૂર્વનું જેરૂસલેમ' ગણાતું પ્યોંગયાંગ
તમને જાણીને નવાય લાગશે કે આજે જ્યાં કોઈ ધાર્મિક સ્વતંત્રતા નથી, તે પ્યોંગયાંગ શહેર 20મી સદીની શરૂઆતમાં એશિયામાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને શિક્ષણનું મોટું કેન્દ્ર હતું. પશ્ચિમી મિશનરીઓની સક્રિયતા, શાળાઓ અને ચર્ચોની મોટી સંખ્યાને કારણે પ્યોંગયાંગને તે સમયે "પૂર્વનું જેરૂસલેમ" કહેવામાં આવતું હતું.
વિશ્વયુદ્ધ પછી વિભાજન અને સત્તા પરિવર્તન
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી, 1945માં કોરિયાના બે ભાગ પડી ગયા. ઉત્તર ભાગ સોવિયેત યુનિયનના પ્રભાવ હેઠળ આવ્યો અને દક્ષિણ ભાગ અમેરિકાના પ્રભાવ હેઠળ. બાદમાં સોવિયેત સમર્થનથી1948માં નવી સરકાર રચાઈ અને 'ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા'ની સ્થાપના થઈ. ત્યારબાદ કડક નિયમો અને સેન્સરશિપ લાગુ કરીને દેશને બાકીની દુનિયાથી અલગ કરી દેવામાં આવ્યો. આજે ઉત્તર કોરિયા વિશ્વના સૌથી બંધ દેશોમાંથી એક છે, પરંતુ શાસન પરિવર્તન પહેલાં તે એક ખુલ્લો, વેપારી અને સાંસ્કૃતિક વિસ્તાર હતો.
આ પણ વાંચો:China Storm: ચીન પર વાવાઝોડાની આફત, સાડા 3 લાખ લોકોનું રેસ્ક્યુ