એક તરફ વિશ્વના 99 દેશોએ પરમાણુ હથિયારો પર પ્રતિબંધ મૂકતી સંધિ (TPNW) પર હસ્તાક્ષર કર્યા છે, તો બીજી તરફ દુનિયાના શક્તિશાળી દેશોમાં પરમાણુ હથિયારો વધારવાની આંધળી દોડ શરૂ થઈ ગઈ છે. ‘ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ’ (ICAN) ના તાજેતરના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિશ્વના માત્ર 9 દેશોએ વર્ષ 2025માં જ પરમાણુ હથિયારોની જાળવણી અને આધુનિકીકરણ પાછળ અધધ 119 અબજ ડૉલર ખર્ચી નાખ્યા છે.


અમેરિકા ખર્ચમાં સૌથી આગળ, ચીન બીજા ક્રમે

રિપોર્ટ અનુસાર, અમેરિકાએ તેના પરમાણુ બજેટમાં 22 ટકાનો તોતિંગ વધારો કરીને વર્ષ 2025માં સૌથી વધુ 69.2 અબજ ડૉલરનો ખર્ચ કર્યો છે. બ્રિટને 17 ટકાના વધારા સાથે 12.6 અબજ ડૉલર અને ચીને 7 ટકાના વધારા સાથે 13.5 અબજ ડૉલરનો ધુમાડો કર્યો છે. રશિયાએ આ વર્ષે 9 અબજ ડૉલર (6% વધારો) જ્યારે ઉત્તર કોરિયાએ 656 મિલિયન ડૉલરનો ખર્ચ કર્યો છે. આ સિવાય ફ્રાન્સે 8 ટકા અને ઇઝરાયેલે 2 ટકા ખર્ચ વધાર્યો છે.

દક્ષિણ એશિયામાં ભારત-પાકિસ્તાનની સ્થિતિ

જો દક્ષિણ એશિયાની વાત કરીએ તો, પરમાણુ ખર્ચ મામલે ભારતે 12 ટકા અને પાકિસ્તાને 18 ટકાનો વધારો કર્યો છે. આંકડા પ્રમાણે ભારત પરમાણુ હથિયારો પર 2.8 અબજ ડૉલર અને પાકિસ્તાન 1.5 અબજ ડૉલર ખર્ચ કરી રહ્યું છે. આ દરમિયાન ભારત અને ચીન જેવા દેશોએ નવા પરમાણુ હથિયારો પણ વિકસાવ્યા છે. છેલ્લા એક વર્ષમાં ચીનના પરમાણુ શસ્ત્રાગારમાં 20 અને ભારતના શસ્ત્રાગારમાં 10 નવા પરમાણુ હથિયારો ઉમેરાયા છે.

કોની પાસે છે કેટલા પરમાણુ હથિયાર?

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના જાન્યુઆરી 2026ના ડેટા અનુસાર, સમગ્ર વિશ્વ પાસે અત્યારે કુલ 12,187 પરમાણુ હથિયારો છે. તેમાંથી લગભગ 9,745 હથિયાર સૈન્ય ભંડારમાં સંભવિત ઉપયોગ માટે તૈયાર છે, જ્યારે 4,012 મિસાઈલો અને વિમાનો સાથે તૈનાત છે.

વિશ્વમાં સૌથી વધુ 5,500 પરમાણુ હથિયારો રશિયા પાસે છે. ત્યારબાદ અમેરિકા પાસે 5,300 અને ચીન પાસે 620 પરમાણુ હથિયારો હોવાની આશંકા છે. જ્યારે ભારત પાસે હાલ 190 અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયારોનો ભંડાર છે. પાવરફુલ દેશોનો આ આંધળો ખર્ચ દર્શાવે છે કે દુનિયા પરથી પરમાણુ યુદ્ધનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે.

આ પણ વાંચો:Strait Of Hormuz માં અંધ થઈને ચાલી રહ્યા છે મોટા ઓઇલ ટેન્કરો, ગુપ્ત રસ્તાઓથી આ રીતે પહોંચી રહ્યો છે પુરવઠો

  • Follow us on: