આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રના અગ્રણી અને Nvidia ના CEO જેન્સન હુઆંગ હાલમાં પોતાના અંગત જીવનમાં ઊભા થયેલા ગંભીર વિવાદને કારણે વૈશ્વિક વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. એક વિદેશી અને ચીની જાસૂસ હોવાની શંકા ધરાવતી મહિલા સાથેના કથિત જોડાણ અને પત્ની સાથેની છેતરપિંડી સ્વીકાર્યા બાદ Nvidia ના શેરમાં કડાકો બોલાયો છે, જેની સીધી અસર હુઆંગની કુલ સંપત્તિ પર પડી છે.
અબજોપતિની રેન્કિંગમાંથી ખસકીને 10માં નંબરે આવી ગયા
માર્કેટ રિપોર્ટ્સ અનુસાર, આ ખુલાસા બાદ Nvidia ના શેરોમાં 4 ટકાથી વધુનો સતત ઘટાડો નોંધાયો હતો. આંકડા મુજબ, ટ્રેડિંગના પ્રારંભિક સમયમાં જ હુઆંગની નેટવર્થ $7.4 બિલિયન ઘટીને $154.7 બિલિયન થઈ ગઈ હતી. માર્કેટ બંધ થવા સુધીમાં તેમને આશરે $6.8 બિલિયન (અંદાજે રૂ. 64,000 કરોડ) નું સીધું નુકસાન થયું હતું. આ ધોવાણના કારણે તેઓ વિશ્વના અબજોપતિઓની રેન્કિંગમાં 8મા સ્થાનેથી સરકીને 10મા સ્થાને પહોંચી ગયા છે અને હવે વોરેન બફેટ તથા લેરી એલિસન કરતાં પાછળ રહી ગયા છે.
તપાસ અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ
કંપનીએ વિદેશી ગુપ્તચર એજન્સીઓ દ્વારા હુઆંગને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો અંગે સ્વતંત્ર તપાસની જાહેરાત કરી છે. હુઆંગે પોતાની પત્ની લોરી અને પરિવારની જાહેર માફી માંગીને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. જોકે Nvidia બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કંપનીના રહસ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ ચેડાં થયા હોવાના પુરાવા મળ્યા નથી. હુઆંગ કંપની પાસે 3.5% થી વધુ શેર ધરાવતા સૌથી મોટા વ્યક્તિગત શેરધારક છે, તેથી શેરના મૂલ્યમાં ફેરફારથી તેમની સંપત્તિ પર મોટો પ્રભાવ પડે છે.
$81 બિલિયનના કલ્પિત છૂટાછેડાનો પ્રશ્ન
આ વિવાદ વચ્ચે હુઆંગના 1985 માં થયેલા લગ્નજીવન અને છૂટાછેડા અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે. હુઆંગ અને લોરી કેલિફોર્નિયામાં રહે છે, જ્યાં 'કમ્યુનિટી પ્રોપર્ટી' નિયમ હેઠળ લગ્ન દરમિયાન બનેલી સંપત્તિ છૂટાછેડા વખતે સમાન ધોરણે વહેંચવામાં આવે છે. જો ક્યારેય છૂટાછેડા થાય, તો હુઆંગની કુલ સંપત્તિમાંથી લોરીને આશરે $81.1 બિલિયન (અંદાજે ₹6.8 લાખ કરોડ) મળી શકે છે, જે જેફ બેઝોસના છૂટાછેડા કરતા પણ ઘણી મોટી રકમ હશે. જોકે, હાલમાં દંપતીએ છૂટાછેડા માટે અરજી કરી હોવાના કોઈ સત્તાવાર સંકેત મળ્યા નથી.
આ પણ વાંચોઃ Railway News: છઠ પર્વ માટે વતન જવા પડાપડી! બિહાર જતી ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી