પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની સીધી અને ગંભીર અસર હવે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો પર જોવા મળી રહી છે. તાજેતરની એક ઘટનામાં, ઓમાન નજીક વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (જળડમરુમધ્ય) માંથી પસાર થઈ રહેલું એક તેલ ટેન્કર દરિયાઈ સુરંગ (નેવલ માઈન) સાથે અથડાયું હતું. આ ટક્કર બાદ જહાજના એન્જિન રૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવાની આ ચોથી ઘટના હોવાનું સામે આવ્યું છે.
એન્જિન રૂમમાં આગ લાગવાથી જહાજને મોટું નુકસાન પહોચ્યું
યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ ઓર્ગેનાઇઝેશન (UKMTO) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ દુર્ઘટનાની સત્તાવાર જાણકારી આપી હતી. સંગઠનના જણાવ્યા મુજબ, સુરંગ સાથે અથડાયા બાદ ટેન્કરની ગતિ સંપૂર્ણપણે થંભી ગઈ હતી અને એન્જિન રૂમમાં આગ લાગવાથી જહાજને મોટું નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે જહાજ પર સવાર તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જહાજને થયેલા નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન હજુ કરવામાં આવી રહ્યું છે.
દરિયાઈ નિયમોના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો
બીજી તરફ, ઈરાની નૌકાદળે પણ આ ઘટનાની પુષ્ટિ કરતાં ટેન્કર પર જ દરિયાઈ નિયમોના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈરાનના સરકારી પ્રસારણકર્તા (IRIB) અનુસાર, નૌકાદળના જનસંપર્ક વિભાગે જણાવ્યું કે આ તેલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટના પૂર્વીય ભાગમાં આવેલા પ્રતિબંધિત જળક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું. એટલું જ નહીં, સુરક્ષા નિયમોની અવગણના કરીને જહાજની નેવિગેશન સિસ્ટમ પણ બંધ રાખવામાં આવી હતી. ઈરાને અગાઉ પણ અનેકવાર આંતરરાષ્ટ્રીય જહાજ સંચાલકોને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા કડક ચેતવણી આપી છે, કારણ કે આ ક્ષેત્રમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી ટ્રાફિક નિયંત્રણો અને સતત યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારે તણાવ વ્યાપ્યો
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી ત્યારથી સમગ્ર હોર્મુઝ સ્ટ્રેટમાં ભારે તણાવ વ્યાપેલો છે. વિશ્વના કુલ તેલ અને ઉર્જા પુરવઠાનો મોટો હિસ્સો આ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. અહીં જહાજો પર થઈ રહેલા વારંવારના હુમલાઓએ વૈશ્વિક અર્થતંત્ર, દરિયાઈ પરિવહન અને ઉર્જા સુરક્ષા સામે મોટું સંકટ ઊભું કર્યું છે.
આ પણ વાંચોઃ US Banking Outage: માઇક્રોસોફ્ટ બાદ અમેરિકામાં બેન્કિંગ સેવાઓ ઠપ,સાયબર હુમલાની આશંકા, લાખો ગ્રાહકો પર અસર