પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં સ્થિત આશરે 200 વર્ષ જૂના ઐતિહાસિક રામલીલા મંદિરને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. આ પ્રાચીન મંદિરની ઇમારતને તોડીને ત્યાં વ્યવસાયિક પ્લાઝા બનાવવાનો કારસો ઘડાયો હતો. સ્થાનિક હિન્દુ સમુદાય અને સિવિલ સોસાયટીના ભારે વિરોધ બાદ શનિવારે સ્થાનિક પ્રશાસને મંદિર કબજે લઈ ETPB દ્વારા સીલ કર્યું હતું.

તોડફોડની કામગીરી અટકાવી દીધી હતી

ડેરા ઇસ્માઇલ ખાન શહેરની મધ્યમાં આવેલા રહીમ બજાર વિસ્તારમાં સ્થિત આ રામલીલા મંદિર સમગ્ર પંથકની ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરનો અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો ગણાય છે.સપ્તાહની શરૂઆતમાં કેટલાક તત્વો દ્વારા મંદિરની ઐતિહાસિક ઇમારતને તોડી પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાની જાણ સ્થાનિક નાગરિકોને થઈ હતી.આ બાબત સામે આવતાં જ લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તોડફોડની કામગીરી અટકાવી દીધી હતી.ડેરા સિવિલ સોસાયટી તેમજ સ્થાનિક ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ સોહેલ અહેમદ અઝમીએ જણાવ્યું હતું કે માહિતી મળતાં જ તેઓ અન્ય પ્રતિનિધિઓ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તે સમયે ત્યાં હાજર રહેલા એક શખ્સે દાવો કર્યો હતો કે તેને મંદિર તોડી પાડવાનો સત્તાવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 

સિવિલ સોસાયટીના અગ્રણીઓએ તાકીદની બેઠક યોજી

આ ઘટનાને પગલે હિન્દુ સમુદાય અને સિવિલ સોસાયટીના અગ્રણીઓએ તાકીદની બેઠક યોજી હતી.આ બેઠકમાં મંદિર તોડવાનો સખત વિરોધ વ્યક્ત કરી મિલકતની માલિકી અને કોઈપણ પ્રકારના કોમર્શિયલ બાંધકામની કાયદેસરતા અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સમક્ષ આ ગંભીર મુદ્દાને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઉઠાવવા અપીલ કરાઈ હતી.ઇવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડે ડેરા ઇસ્માઇલ ખાનમાં લગભગ 400 જેટલી ઇમારતોને સાંસ્કૃતિક વારસાની મિલકત તરીકે ચિહ્નિત કરી છે. ETPB પાકિસ્તાન સરકારની એક સંસ્થા છે, જે વર્ષ 1947ના ભાગલા વખતે ભારત ચાલ્યા ગયેલા લોકોની મિલકતો તેમજ લઘુમતી સમુદાયોની ટ્રસ્ટ મિલકતોનું સંચાલન કરે છે.

ગંભીર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરાવવાની માગ

ઓલ પાકિસ્તાન હિન્દુ રાઇટ્સ મૂવમેન્ટના પ્રમુખ હારૂન સરબ ડાયલે એવી આશા વ્યક્ત કરી હતી કે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ચાલી રહેલા વર્તમાન ગવર્નર શાસન દરમિયાન હિન્દુ ધાર્મિક સ્થળોને વિશેષ કાનૂની અને વહીવટી સુરક્ષા પૂરી પાડવામાં આવશે. તેમણે વર્ષ 2013 થી 2026 દરમિયાન ધાર્મિક મિલકતો પર થયેલા તમામ ગેરકાયદે દબાણો અથવા તેના વેચાણના ગંભીર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગણી કરી હતી. નોંધનીય છે કે પાકિસ્તાન સરકારે 11 ઓક્ટોબરના રોજ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં કથળતી કાયદો-વ્યવસ્થા અને આતંકવાદ સામેની કાર્યવાહીમાં પૂરતો સહયોગ ન મળવાનો આરોપ લગાવીને ગવર્નર શાસન લાગુ કર્યું હતું. આ પ્રાંત અગાઉ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રાજકીય પાર્ટીના શાસન હેઠળ હતો. 

પ્રાચીન હિન્દુ ધાર્મિક તથા પુરાતત્વીય સ્થળો આવેલાં છે

ડેરા ઇસ્માઇલ ખાન અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક પ્રાચીન હિન્દુ ધાર્મિક તથા પુરાતત્વીય સ્થળો આવેલાં છે. પાકિસ્તાનના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના જણાવ્યા અનુસાર, તેમાં સાતમીથી અગિયારમી સદીની શરૂઆત વચ્ચે નિર્માણ પામેલા બિલોટ શરીફના મંદિર પરિસરનો પણ સમાવેશ થાય છે.બીજી તરફ, પાકિસ્તાનના માનવાધિકાર પંચે પણ ETPBની કામગીરીમાં વધુ પારદર્શિતા અને જવાબદેહી લાવવાની માંગણી કરી છે. ગુરુવારે જાહેર અહેવાલમાં જણાવાયું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ આજે પણ અધિકાર ઉલ્લંઘન, ઈશનિંદા કાયદાનો દુરુપયોગ, બળજબરીથી લગ્ન અને ધર્માંતરણ તેમજ ભેદભાવ જેવી સમસ્યાઓ વેઠી રહ્યા છે. અહેવાલમાં હિન્દુ-ખ્રિસ્તી યુવતીઓના અપહરણ,જબરદસ્તીથી લગ્ન અને નોકરીમાં ભેદભાવની વિગતો પણ આપવામાં આવી છે. આ ઘટનાએ લઘુમતીઓની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: કરજણ નદીના બ્રિજની નબળી ગુણવત્તા સામે સરકારની કાર્યવાહી, કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ