પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઇ છે. બલુચ લડવૈયાઓ એક સાથે 10 શહેરોમાં પાકિસ્તાની સેના અને ISI ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છે. બલુચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાને ઓપરેશન હેરોફનો બીજા તબક્કો હોવાનું જણાવ્યું છે.
એક સાથે 10થી વધુ જગ્યા પર કર્યો હુમલો
BLA એ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેના લડવૈયાઓએ બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટા, નોશ્કી, મશ્તુંગ, દાલબાદિન, કલાત, ખારાન, ગ્વાદર, પાસની, ટુમ્પ અને બુલેડામાં પાકિસ્તાની સેના અને ISI ઠેકાણાઓ પર એક સાથે હુમલો કર્યો હતો. ક્વેટા, પાસની, ગ્વાદર, નોશ્કી અને દાલબાદિનમાં થયેલા હુમલાઓ BLA ના માજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલા હતા. હુમલા દરમિયાન બલુચ લડવૈયાઓ ત્યાંના આર્મી કેમ્પમાં પણ ઘૂસી ગયા હતા.
12થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
બલુચ લિબરેશન આર્મી અનુસાર, તેના હુમલાઓમાં અત્યાર સુધીમાં 12 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. BLA લડવૈયાઓએ માસ્તુંગ અને કલાતમાં પાકિસ્તાની પોલીસ ઇમારતો પર પણ કબજો જમાવીને તેમને ભગાડી દીધા છે, અને સૈન્ય સૈનિકોની ગતિવિધિઓને રોકવા માટે સમુદ્ર તરફ જતા અનેક હાઇવે પર હુમલો કર્યો છે. BLA અનુસાર ઓપરેશન હેરોફ 2.0 હેઠળ કરવામાં આવેલા હુમલાઓ તેના ફતાહ સ્ક્વોડ, મજીદ બ્રિગેડ, ઝિરાબ અને STOS દ્વારા કરવામાં આવ્યા હતા.
PAK આર્મીએ હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી
પાકિસ્તાની આર્મીએ હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ અહેવાલો દર્શાવે છે કે પાકિસ્તાની સેના અને BLA લડવૈયાઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે, જેમાં આશરે 12 પાકિસ્તાની સૈનિકો અને ત્રણ BLA લડવૈયાઓ માર્યા ગયા છે. એકલા ક્વેટામાં, બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવેલા હુમલામાં સાત પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.
બલૂચિસ્તાનના 10 શહેરોમાં હુમલા
આજે સવારે 6 વાગ્યાથી, બલૂચ લિબરેશન આર્મી બલૂચિસ્તાનના 10 શહેરોના વિવિધ વિસ્તારોમાં સતત હુમલાઓ કરી રહી છે. બલૂચ લિબરેશન આર્મીએ નોશ્કીના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ હુસૈનને પણ બંધક બનાવ્યા છે અને એક વિડિઓ પણ બહાર પાડ્યો છે જેમાં તેમણે બલૂચ લડવૈયાઓ દ્વારા બંદી બનાવવામાં આવ્યા હોવાની કબૂલાત કરી છે.
અહેવાલો અનુસાર, બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં પરિસ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં બલુચ યુવાનોએ એક બેંક લૂંટી લીધી અને વિસ્ફોટક ઉપકરણમાં વિસ્ફોટ કર્યો. બલુચ લડવૈયાઓ પણ ખુલ્લેઆમ રસ્તાઓ પર હથિયારો સાથે ફરતા અને અનેક પોલીસ વાહનોને આગ ચાંપી દેતા જોવા મળે છે.










