પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ આક્રમક બની ગયો છે. શુક્રવારની મધરાતે પાકિસ્તાની સેનાએ અફગાનિસ્તાનના કાબુલ, કંદહાર અને પક્તિયા વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હોવાનું જણાવાયું છે. ત્યારબાદ તાલિબાને રાત્રે “મોટા પાયે આક્રમક અભિયાન” શરૂ કર્યું હોવાનું કહી પાકિસ્તાની સરહદી ચોકીઓ પર હુમલા કર્યા. પાકિસ્તાનએ તેને “અકારણ હુમલો” ગણાવી તરત જ જવાબી કાર્યવાહી કરી અને અનેક અફગાન પોસ્ટ્સ નષ્ટ કરી દીધી હોવાનો દાવો કર્યો.

 ઝરદારીએ જણાવ્યું કે દેશની પ્રાદેશિક અખંડિતતા અને શાંતિ બાબતે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ જણાવ્યું કે દેશની પ્રાદેશિક અખંડિતતા અને શાંતિ બાબતે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. બીજી તરફ, તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદએ જોરદાર પ્રતિકાર કરવાની ચેતવણી આપી છે.

ડૂરન્ડ લાઇન શું છે, જેના મુદ્દે પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે વિવાદ છે?

ડૂરન્ડ લાઇન પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે આવેલી આશરે 2,640 કિલોમીટર લાંબી વિવાદિત સરહદ છે. આ સરહદ 1893માં બ્રિટિશ ભારતના વિદેશ સચિવ સર હેનરી મોર્ટિમર ડૂરન્ડ અને અફગાનિસ્તાનના અમીર અબ્દુર રહમાન ખાન વચ્ચે થયેલા કરાર દ્વારા નક્કી કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ બ્રિટિશ અને રશિયન સામ્રાજ્યો વચ્ચે એક સુરક્ષાત્મક બફર ઝોન બનાવવાનો હતો. જોકે અફગાનિસ્તાને આ સરહદને ક્યારેય સંપૂર્ણ રીતે સ્વીકારી નથી, કારણ કે આ રેખા અફગાનિસ્તાનની મુખ્ય પશ્તૂન જાતિઓને બે ભાગોમાં વહેંચી નાખે છે.

1947માં પાકિસ્તાનની રચના બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો

1947માં પાકિસ્તાનની રચના બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો. અફગાનિસ્તાને પોતાના પશ્તૂન બહુમતી વિસ્તારો પર ફરી હક માંગતા “પશ્તૂનિસ્તાન” નામના અલગ પ્રદેશની માંગ ઉઠાવી, જેને પાકિસ્તાન હંમેશા નકારી કાઢે છે. તાલિબાનની સરકાર પણ ડૂરન્ડ લાઇનને સત્તાવાર આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માનતી નથી અને પાકિસ્તાન દ્વારા સરહદ પર લગાવવામાં આવતી વાડ (ફેન્સિંગ)નો વિરોધ કરે છે.

અફગાન હવાઈ ક્ષેત્રમાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યાનો દાવો

સુરક્ષા સૂત્રોએ સ્થાનિક મીડિયા TOLOnewsને જણાવ્યું છે કે અફગાનિસ્તાનના સુરક્ષા દળોએ એક પાકિસ્તાનનું વિમાન પાડી પાડ્યું છે, જે અફગાન હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહ્યું હતું.

આ પણ વાંચો: Donald Trump: આ અમેરિકાનો સુવર્ણ યુગ, આપણો દેશ મજબૂત, અમે ફરી જીતી રહ્યા છીએ