Pakistan Airstrike: પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે. ગુરુવારે વહેલી સવારે પાકિસ્તાની લડાકુ વિમાનોએ કંધાર, ખોસ્ત અને પક્તિયા પ્રાંતમાં 10 સ્થળોને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. અફઘાન તાલિબાન સરકારના જણાવ્યા મુજબ, આ હુમલામાં ચાર સામાન્ય નાગરિકોના મોત થયા છે. અફઘાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે પાકિસ્તાનની કાર્યવાહીની સખત નિંદા કરી છે અને તેને અફઘાનિસ્તાન વિરુદ્ધ આક્રમક હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન પાકિસ્તાનની આ કાર્યવાહીને યોગ્ય જવાબ આપશે.
પાકિસ્તાને ડ્રોન હુમલાનો લગાવ્યો આરોપ
પાકિસ્તાનનો દાવો છે કે અફઘાન તાલિબાનના દળોએ એક દિવસ પહેલાં તેના સરહદી સુરક્ષા ઠેકાણાઓ પર આઠ ડ્રોનથી હુમલો કર્યો હતો. પાકિસ્તાને એમ પણ કહ્યું કે અફઘાન સરહદી દળોએ પાકિસ્તાની બોર્ડર પોસ્ટ પર મોર્ટાર અને ભારે હથિયારોથી ગોળીબાર કર્યો હતો. જોકે, કાબુલે પાકિસ્તાનના ડ્રોન હુમલાના આરોપોને ફગાવી દીધા છે. અફઘાન સરકારનું કહેવું છે કે પાકિસ્તાન પોતાના લશ્કરી અભિયાનોને યોગ્ય ઠેરવવા માટે આવા આરોપો લગાવી રહ્યું છે.
સતત બીજા મોટા હુમલાથી તણાવ વધ્યો
થોડા જ દિવસોમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો આ બીજો મોટો હવાઈ હુમલો છે. સોમવારે પણ પાકિસ્તાને પૂર્વ અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા હતા. પાકિસ્તાને તે કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો, જ્યારે અફઘાન અધિકારીઓએ ત્રણ નાગરિકોના મોત અને ચાર લોકો ઘાયલ થયાની માહિતી આપી હતી. સંયુક્ત રાષ્ટ્રના અફઘાનિસ્તાન મિશને પણ તે હુમલામાં નાગરિકોના મોત અને ઈજાની પુષ્ટિ કરી હતી.
અફઘાનિસ્તાનનો વાતચીતથી ઉકેલ લાવવાનો સંદેશ
અફઘાનિસ્તાનનું કહેવું છે કે સરહદ વિવાદ અને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉકેલ લશ્કરી હુમલાને બદલે વાતચીત અને રાજદ્વારી માધ્યમથી થવો જોઈએ. પૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ પણ પાકિસ્તાનને સારા પાડોશી તરીકે સંબંધો જાળવવા અને બંને દેશોના સંબંધોને શાંતિપૂર્ણ તથા યોગ્ય રીતે આગળ વધારવાની અપીલ કરી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ચીન, તુર્કી, કતાર અને સાઉદી અરેબિયા તરફથી મધ્યસ્થીના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં સતત થઈ રહેલા સરહદ પારના હુમલાઓને કારણે આ વિસ્તારમાં તણાવ વધુ વધવાની આશંકા છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પર પાકિસ્તાને ઠાલવ્યો ગુસ્સો, જાણો શુ છે મામલો?