અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિક સમય મુજબ વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ પાકિસ્તાની લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનના પૂર્વીય પ્રાંતો પક્તિકા અને કુનાર પર અચાનક હવાઈ હુમલા કર્યા હતા. રાત્રે ગાઢ નિદ્રામાં સજ્જ નાગરિકો પર થયેલા આ અચાનક બોમ્બમારાથી સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને અફરાતફરી મચી ગઈ હતી.

ખાલી ઘર પર કર્યો બોમ્બમારો

પ્રાથમિક અહેવાલો અનુસાર, કુનાર પ્રાંતમાં થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડાએ પણ આ હુમલાઓની સત્તાવાર પુષ્ટિ કરી છે. બીજી તરફ, પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં પણ બે અલગ-અલગ જગ્યાએ બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા, જેમાં એક ખાલી ઘર અને એક જૂની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી. સદનસીબે, આ ખાલી મકાન પર થયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઓછી ઊંચાઈએ ઉડતા પાકિસ્તાની વિમાનોનો આતંક

સ્થાનિક સ્ત્રોતો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ હુમલાઓ અત્યંત ઓછી ઊંચાઈએ ઉડતા પાકિસ્તાની લડાકુ વિમાનો દ્વારા કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સુરક્ષા વિવાદો અને ગેરસમજો આ ઘટના પાછળનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન વારંવાર એવો દાવો કરતું આવ્યું છે કે અફઘાનિસ્તાનની ધરતી પર પાકિસ્તાન વિરોધી આતંકવાદી જૂતો છુપાયેલા છે અને તેમને ખતમ કરવા માટે આવા ઓપરેશન જરૂરી છે.

અફઘાને દાવાઓને નકાર્યા

બીજી બાજુ, અફઘાન શાસકો અને સ્થાનિક પ્રશાસને આ દાખલાઓને સદંતર નકારી કાઢ્યા છે અને આ સરહદ પારના હુમલાઓને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. અફઘાન પક્ષનું કહેવું છે કે પાકિસ્તાની સેના સીધા નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહી છે, જેના કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે.

બંને દેશો વચ્ચે વધી કડવાહટ

આ ઘટના બંને દેશોના પરસ્પર સંબંધોમાં આગામી સમયમાં વધુ કડવાહટ પેદા કરી શકે છે. સરહદી વિસ્તારોમાં પહેલાથી જ ગંભીર સુરક્ષા પડકારોનો સામનો કરી રહેલા નાગરિકો માટે આ પ્રકારના હવાઈ હુમલાઓ અભિશાપ બન્યા છે. જો આ મામલે કાયમી રાજકીય ઉકેલ કે વાતચીતનો માર્ગ નહીં અપનાવવામાં આવે, તો પ્રાદેશિક શાંતિ ગંભીર જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચોઃ દુનિયાનો એવો દેશ જ્યાં રૂપિયા નહીં પથ્થરોથી ખરીદાય છે વસ્તુઓ