Pakistan: આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાતા પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર ₹70 લાખના ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામ ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની 'રેડ બુક' (સૌથી વધુ વોન્ટેડ આતંકવાદીઓની યાદી)માં જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાને આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક ઓક્ટોબરમાં યોજાવાની છે.


પાકિસ્તાને 2021માં વિશ્વને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય FATFની 'ગ્રે લિસ્ટ' (જે આતંકવાદી ભંડોળ પર નજર રાખે છે)માંથી બહાર આવવાનો અને મસૂદ સામે કાર્યવાહી કરવાનું ટાળવાનો હતો. તેવો દાવો કરીને કે તે પાકિસ્તાનમાંથી ગાયબ થઈ ગયો છે અને અફઘાનિસ્તાનમાં છે.


અગાઉ પણ ઈનામની કરાઈ હતી જાહેરાત 

છેલ્લા છ મહિનાથી, ભારતીય ગુપ્તચર એજન્સીઓના તકનીકી વિશ્લેષણથી સંકેત મળ્યો છે કે મસૂદ અઝહર પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ શહેરમાં છુપાયેલો છે. 2021માં, FIAએ મસૂદ અઝહર પર ₹50 લાખનું ઈનામ રાખ્યું હતું. હવે, પાંચ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય સમુદાયને છેતરવાના પ્રયાસરૂપે આ ઈનામની રકમમાં ₹20 લાખનો વધારો કરવામાં આવ્યો છે.


યાદીમાં 19 આતંકવાદીઓના નામ

FIAની સૌથી વધુ વોન્ટેડ આતંકવાદીઓની નવી અપડેટ કરેલી યાદીમાં એવા 19 વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ 26/11ના આતંકવાદી હુમલામાં વપરાયેલી બોટની વ્યવસ્થા કરવામાં, ભંડોળ પૂરું પાડવામાં અને તેને ચલાવવામાં સામેલ હતા; આ યાદીમાં તેમાંથી 17 આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ અને તેમની ભૂમિકાઓની વિગતો આપવામાં આવી છે. જોકે, પાકિસ્તાને આમાંથી બે આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ, લશ્કર-એ-તૈયબા સાથેના જોડાણની વિગતો અને 26/11ના હુમલામાં ભજવેલી ભૂમિકાઓનું સંપૂર્ણ વર્ણન હટાવી દીધું છે અને માત્ર તેમના નામ જ રાખ્યા છે.

ઉદાહરણ તરીકે, FIAએ તેની અપડેટ કરેલી યાદીમાં તુર્બતના મોહમ્મદ ખાનનું નામ જેણે આતંકવાદીઓને મુંબઈ પહોંચાડવા માટે 'અલ-હુસૈની' બોટ પૂરી પાડી હતી. તેનો સમાવેશ કર્યો છે, પરંતુ તેનો ફોટોગ્રાફ લશ્કર સાથેના તેના જોડાણની વિગતો અને તેની ચોક્કસ ભૂમિકાને યાદીમાંથી દૂર કરી દીધી છે.


તેવી જ રીતે, FIAએ બહાવલનગર (પાકિસ્તાન)ના આતંકવાદી અબ્દુલ રહેમાનનો ફોટોગ્રાફ અને લશ્કર-એ-તૈયબા સાથેના તેના જોડાણ અંગેની વિગતો પણ યાદીમાંથી દૂર કરી દીધી છે. 2021ની FIA યાદીમાં આ બંને વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ અને ભૂમિકાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. FIAની વર્તમાન યાદીમાં લશ્કર-એ-તૈયબાના એવા 11 આતંકવાદીઓના નામ સામેલ છે જેમણે 'અલ-હુસૈની' અને 'અલ-ફૌજ' નામની બે બોટનો ઉપયોગ કરીને 26/11ના હુમલાખોરો માટે દરિયાઈ માર્ગે મુસાફરીની વ્યવસ્થા કરી હતી. આ વ્યક્તિઓ છે: મુહમ્મદ અમજદ ખાન (મુલ્તાન), શાહિદ ગફૂર (બહાવલપુર), મોહમ્મદ ઉસ્માન (સાહીવાલ), અતિક-ઉર-રહેમાન (લાહોર), રિયાઝ અહેમદ (હાફિઝાબાદ), મુહમ્મદ મુશ્તાક (ગુજરાનવાલા), મુહમ્મદ નઈમ (ડેરા ગાઝી ખાન), અબ્દુલ શકૂર (કરાચી), મુહમ્મદ સાબિર સલ્ફી (મુલ્તાન), મુહમ્મદ ઉસ્માન (લોધરાન) અને શકીલ અહેમદ (રહીમ યાર ખાન).


આતંકવાદીઓની ભૂમિકા શું હતી?

આ ઉપરાંત, યાદીમાં એવા છ આતંકવાદીઓના નામ પણ છે જેમણે 26/11ના હુમલા માટે આર્થિક સહાય પૂરી પાડી હતી. આ છ લોકોમાં ફૈસલાબાદ સ્થિત લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી મુહમ્મદ ઈફ્તિખાર અલી સામેલ છે; તેણે આતંકવાદીઓ અને તેમના હેન્ડલર્સ વચ્ચે વાતચીત શક્ય બનાવવા માટે VoIP કનેક્શન સ્થાપિત કરવા પાછળ 70 હજાર પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા હતા. અન્ય લોકોમાં મોહમ્મદ ઝિયા (રાવલપિંડી)નો સમાવેશ થાય છે, જેણે હુમલા માટે લશ્કરને 80 હજાર રૂપિયા આપ્યા હતા; મોહમ્મદ અબ્બાસ નાસિર (ખાનેવાલ), જેણે 2, 53,000 રૂપિયાનું યોગદાન આપ્યું હતું; જાવેદ ઈકબાલ (કસૂર), જેણે 1,86,430 રૂપિયા પૂરા પાડ્યા હતા; મુખ્તાર અહેમદ (મંડી બહાઉદ્દીન), જેણે 2,98,047 રૂપિયા આપ્યા હતા; અને અહેમદ સઈદ (બટ્ટાગ્રામ), જેણે 26/11ના હુમલા માટે 21 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.


ભારતે પુરાવા પૂરા પાડ્યા હતા

પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) અનુસાર, 26/11ના હુમલામાં સામેલ આ તમામ 17 આતંકવાદીઓ છેલ્લા 18 વર્ષથી ફરાર છે. જોકે, ભારતીય ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ 17 આતંકવાદીઓ હાલમાં પાકિસ્તાનમાં જ છે; તેમને FIAની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં મૂકીને પાકિસ્તાન માત્ર દુનિયાને ગેરમાર્ગે દોરવાનો દેખાવ કરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓની સંખ્યામાં 35%નો વધારો પણ થયો છે. જ્યારે FIAના 2021ના 'રેડ બુક'માં દેશના સૌથી વધુ વોન્ટેડ 1330 આતંકવાદીઓની યાદી આપવામાં આવી હતી, ત્યારે પાંચ વર્ષના ગાળામાં આ સંખ્યા વધીને 1804 થઈ ગઈ છે.


આ પણ વાંચો: Uttar Paradesh: કાશી વિશ્વનાથ મંદિરના CEO વિશ્વભૂષણ મિશ્રાની બદલી, UPમાં વહીવટી સ્તરે મોટા પાયે ફેરફાર