આતંકને આશરો આપનાર પાકિસ્તાન હવે દિવસ-રાત આતંકના છાયામાં જીવી રહ્યો છે. પાકિસ્તાની સેના માટે આતંક તકલીફદાયક સમસ્યા બની ગઇ છે કે સતત બીજા દિવસે પણ પાક સેના પર હુમલો કરવામાં આવ્યો છે. મંગળવારે બલૂચિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટે પાક સેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 સૈનિકો માર્યા ગયા છે અને 2 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હુમલામાં 5 જવાન શહીદ થયા
આ અગાઉ સોમવારે ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ પણ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પણ 5 સૈનિકો મૃત્યુ પામ્યા હતા. ગયા સોમવારે TTPના આતંકીઓએ ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના સુઈ નોર્ધર્ન ગેસ પાઈપલાઈનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ત્યાં તૈનાત સૈનિકો પર હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. જયારે જવાબી કાર્યવાહીમાં 8 આતંકીઓના માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ પહેલા રેલવે ટ્રેક પર કર્યો હતો વિસ્ફોટ
પાકિસ્તાની સેના પર છેલ્લાં બે દિવસ સિવાય પણ અનેક વખત હુમલાઓ થયા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ જેવા જુદા પડી ગયેલા સંગઠનો વારંવાર પાક સેના પર હુમલા કરતા રહે છે. ગયા સપ્ટેમ્બરમાં આતંકીઓએ બલૂચિસ્તાનના મસ્તુંગના દશ્ત વિસ્તારમાં રેલવે ટ્રેક પર વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં જાફર એક્સપ્રેસના એક ડબ્બાને નુકસાન પહોંચ્યું હતું અને 12 મુસાફરો ઘાયલ થયા હતા. જયારે 10 ઓગસ્ટે મસ્તુંગ જિલ્લામાં આતંકીઓએ એક IED વિસ્ફોટ કર્યો હતો, જેના કારણે ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા.










