આ કાવતરુ એટલું સુનિયોજિત હતું કે વિસ્ફોટોમાં આખી ઇમારત સંપૂર્ણપણે નાશ થઇ હતી. 

સરકારી કન્યા પ્રાથમિક શાળામાં બ્લાસ્ટ 

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના નીચલા દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં એક સરકારી કન્યા પ્રાથમિક શાળાને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવી હતી. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બિરમલ તહસીલના સારા ઘોવારા વિસ્તારમાં બની હતી. અજાણ્યા હુમલાખોરોએ શાળાની ઇમારતમાં વિસ્ફોટકો લગાવ્યા હતા અને તેમાં વિસ્ફોટ કરીને શાળા સંપૂર્ણપણે નાશ થઇ હતી. જિલ્લા પોલીસ અધિકારી મોહમ્મદ તાહિર શાહે જણાવ્યું હતું કે, પોલીસ તપાસ શરૂ છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

શૈક્ષણિક સંસ્થાઓ પર 11 હુમલા

તાજેતરના મહિનાઓમાં આ પ્રદેશમાં શાળાઓ પર હુમલાઓ વધ્યા છે. ફેબ્રુઆરી અને માર્ચમાં બિરમલ વિસ્તારમાં બે શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. આંકડા મુજબ, 2026માં અત્યાર સુધીમાં, ખૈબર પખ્તુનખ્વામાં શૈક્ષણિક સંસ્થાઓ પર 11 હુમલા થયા છે, જેમાં 13 લોકો માર્યા ગયા છે. નિષ્ણાતો કહે છે કે ઉગ્રવાદી જૂથો લાંબા સમયથી છોકરીઓના શિક્ષણનો વિરોધ કરે છે.

અત્યાર સુધીમાં કેટલા હુમલા ?

2006થી પાકિસ્તાનમાં શાળાઓ પર 557થી વધુ હુમલા નોંધાયા છે. જેમાં 321 લોકોના મૃત્યુ થયા હતા. અને 200થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં સૌથી મોટો શાળા હુમલો 2014માં પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલમાં થયો હતો. જ્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ શાળામાં ઘૂસીને 135 વિદ્યાર્થીઓ સહિત 148 લોકો માર્યા હતા. આ તાજેતરની ઘટનાએ ફરી એકવાર આ પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

કન્યા શિક્ષણનો દર ઓછો 

પાકિસ્તાનમાં છોકરીઓના શિક્ષણની સ્થિતિ હંમેશા પડકારજનક છે. 2025-26ના ડેટા અનુસાર, દેશનો એકંદર સાક્ષરતા દર 63% છે, જેમાં પુરુષો 73% અને સ્ત્રીઓ માત્ર 52-54% છે. અંદાજે 25.1 ટકા મિલિયન બાળકો શાળાની બહાર છે, જેમાંથી 53 ટકા છોકરીઓ છે. ગ્રામીણ વિસ્તારો, બલુચિસ્તાન અને સિંધમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. જ્યાં છોકરીઓનો શાળા છોડી દેવાનો દર ખૂબ જ ઊંચો છે. સાંસ્કૃતિક પછાતપણું, સુરક્ષા ચિંતાઓ, ગરીબી અને શાળાઓનો અભાવ મુખ્ય કારણો છે. 

આ પણ વાંચોઃ એયર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ્યુ, બાદમાં દિલ્હી ડાયવર્ટ કરાયું

  • Follow us on: