પાકિસ્તાન આ સમયે અત્યંત ગંભીર આર્થિક અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સ્તરે તેલના વધતા ભાવોને કારણે પાકિસ્તાન સરકાર પર વિદેશી હૂંડિયામણનું મોટું દબાણ સર્જાયું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને ઊર્જા સંરક્ષણ (Energy Conservation) કરવા માટે પાકિસ્તાન સરકારે કેટલાક અત્યંત કડક નિર્ણયો લીધા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે.
બજારો અને મોલ્સ માટે સમય મર્યાદા
સરકાર દ્વારા જારી કરાયેલા નવા આદેશ અનુસાર, રાજધાની ઇસ્લામાબાદમાં તમામ દુકાનો, બજારો અને શોપિંગ મોલ્સ રાત્રે ૯ વાગ્યા સુધીમાં બંધ કરી દેવા પડશે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટ અને કાફે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. વહેલા બજારો બંધ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વાણિજ્યિક વીજળીનો વપરાશ ઘટાડવાનો અને ઇંધણની બચત કરવાનો છે. જો કે, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, બેકરી અને પેટ્રોલ પંપ જેવી આવશ્યક સેવાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
લગ્ન સમારોહ પર કડક પ્રતિબંધો અને 'એક વાનગી'નો નિયમ
પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગોમાં થતા ભારે ખર્ચને અટકાવવા માટે સરકારે કડક નિયમો લાગુ કર્યા છે. હવે તમામ લગ્ન હોલ અને માર્કી રાત્રે 10 વાગ્યા સુધીમાં ફરજિયાત બંધ કરવા પડશે. સૌથી મોટો અને ચર્ચાસ્પદ નિયમ એ છે કે હવે લગ્ન કે અન્ય કોઈ પણ સામાજિક કાર્યક્રમમાં મહેમાનો માટે માત્ર એક જ વાનગી પીરસવાની મંજૂરી આપવામાં આવશે. સરકારનો હેતુ આના દ્વારા ખર્ચ અને ખાદ્ય સંસાધનોની બચત કરવાનો છે.
સરકારી ખર્ચમાં પણ મોટો કાપ
આ સંકટ માત્ર સામાન્ય જનતા પૂરતું સીમિત નથી, પરંતુ સરકારે પોતાના ખર્ચમાં પણ ભારે કાપ મૂક્યો છે:
આગામી ત્રણ મહિના માટે સરકારી વાહનોના ઇંધણ ક્વોટામાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસો પર ત્રણ મહિના માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકારી વિભાગો દ્વારા નવા વાહનો કે ટકાઉ માલસામાનની ખરીદી પર રોક લગાવી દેવાઈ છે.
પાકિસ્તાનમાં આયાતી તેલના ભાવો આસમાને પહોંચ્યા છે, જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹391.22 અને હાઇ-સ્પીડ ડીઝલ પ્રતિ લિટર ₹421.45 સુધી પહોંચી ગયું છે. આ ગંભીર મોંઘવારી અને ઊર્જા કટોકટી વચ્ચે પાકિસ્તાન સરકાર માટે દેશની અર્થવ્યવસ્થા સંભાળવી એક મોટો પડકાર બની ગઈ છે.
આ પણ વાંચોઃ Skin Tips: ત્વચા પર કુદરતી ચમક જોઇએ છે? આ 5 ફેસ ઓઇલ છે મેજીક