ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર હવે હવાઈ મુસાફરી અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર જોવા મળી રહી છે. પાકિસ્તાને ફરી એકવાર ભારતીય વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, હવે ભારતીય વિમાનો 24 સપ્ટેમ્બર, 2026 સુધી પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ કરી શકશે નહીં. આ કડક પ્રતિબંધ માત્ર કોર્મશિયલ ફ્લાઇટ્સ જ નહીં, પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનો પર પણ લાગુ પડશે.

કોના પર લાગુ છે આ પ્રતિબંધ?

નવા આદેશ મુજબ, ભારતમાં નોંધાયેલા તમામ વિમાનો આ પ્રતિબંધ હેઠળ આવે છે. આ ઉપરાંત, ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત અથવા લીઝ પર લેવાયેલા વિમાનો પણ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી શકશે નહીં. ભારતીય નાગરિકોની માલિકીના વિમાનો તેમજ ભારતીય લશ્કરી વિમાનો પર પણ આ નિયમ સખતાઇથી લાગુ કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ પાકિસ્તાનના કરાચી અને લાહોર ફ્લાઇટ ઇન્ફોર્મેશન રીઝન અંતર્ગત આવતા ક્ષેત્રોમાં અમલમાં રહેશે.

પ્રતિબંધની મુદત અને સમય

અગાઉ આ પ્રતિબંધ 23 ઓગસ્ટના રોજ પૂરો થવાનો હતો, પરંતુ પાકિસ્તાની સત્તાવાળાઓએ તેમાં વધુ એક મહિનાનો વધારો કર્યો છે. હાલની માહિતી પ્રમાણે આ પ્રતિબંધ 24 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 4:59 વાગ્યા સુધી સક્રિય રહેશે. બંને દેશો વચ્ચે એપ્રિલ 2025માં રાજકીય અને સુરક્ષા સંબંધિત તણાવ વધ્યા બાદ આ હવાઈ પ્રતિબંધ શરૂ થયો હતો, જેને ત્યારથી સતત લંબાવવામાં આવી રહ્યો છે. ભારતે પણ સામે પક્ષે પાકિસ્તાની વિમાનો અને એરલાઇન્સ પર સમાન પ્રતિબંધો લાદેલા છે, જેના કારણે બંને દેશોની એરલાઇન્સ એકબીજાના એરસ્પેસનો ઉપયોગ કરી શકતી નથી.

ભારતીય એરલાઇન્સ અને મુસાફરો પર અસર

પાકિસ્તાની એરસ્પેસ બંધ રહેવાને કારણે ભારતથી પશ્ચિમ એશિયા, યુરોપ અને અમેરિકા તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ભારે અસર પડી રહી છે. પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર ટાળવા માટે ભારતીય વિમાનોને લાંબા અને વૈકલ્પિક રૂટ પસંદ કરવાની ફરજ પડે છે. આ વધારાના લાંબા ચકરાવાને કારણે ફ્લાઇટનો સમય વધી જાય છે, સાથે જ ઈંધણનો વપરાશ પણ વધુ થાય છે. આના પરિણામે એરલાઇન્સનો સંચાલન ખર્ચ વધે છે અને મુસાફરોને પણ મોંઘી ટિકિટોનો સામનો કરવો પડે છે. આ નિર્ણયથી એવિએશન સેક્ટર પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોટો પડાવવો છે, ચૂકવવા પડશે આટલા રૂપિયા!