પાકિસ્તાનની સંઘીય સરકારે આખરે રવિવારે ખૈબર પખ્તુનખ્વામાં (KP) કટોકટીની સ્થિતિ જાહેર કરી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કેબિનેટના નિર્ણયને મંજૂરી આપ્યા બાદ તરત જ પ્રાંતમાં કટોકટી શાસન અને રાજ્યપાલ શાસન (ગવર્નર રૂલ) લાગુ કરવામાં આવ્યું હતું. આ પગલાં અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ તેને મોટી રાજકીય ભૂલ ગણાવી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે આ પગલાંને બંધારણની કલમ 232 અને 234 હેઠળ મંજૂરી આપવામાં આવી હતી; આ બંને જોગવાઈઓ કટોકટી અને રાજ્યપાલ શાસન લાદવા સાથે સંબંધિત છે. સંઘીય સરકારે આ નિર્ણય માટેનું મુખ્ય કારણ ખૈબર પખ્તુનખ્વામાં જ્યાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) સત્તા પર છે. વધતી જતી આતંકવાદી ઘટનાઓને નિયંત્રિત કરવામાં પ્રાંતીય સરકારની નિષ્ફળતાને ગણાવી છે.
PTIના અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાને આ નિર્ણયને "મોટી રાજકીય ભૂલ" અને લોકશાહી વિરોધી પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું, "આતંકવાદ સામેની લડાઈનો ઉપયોગ લોકોનો અવાજ દબાવવા, રાજકીય ઉદ્દેશ્યો હાંસલ કરવા અથવા પ્રાંતની બંધારણીય સત્તાઓને મર્યાદિત કરવાના બહાના તરીકે થઈ શકે નહીં. આતંકવાદનો સામનો માત્ર રાષ્ટ્રીય એકતા અને સામૂહિક વ્યૂહરચના દ્વારા જ શક્ય છે."
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી સંઘીય કેબિનેટની બેઠક બાદ તરત જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો; આ બેઠક દરમિયાન તેમને ખૈબર પખ્તુનખ્વાની સુરક્ષા સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) ના એક નિવેદનમાં જણાવાયું છે કે કેબિનેટના સભ્યોએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને "આતંકવાદ સામેની લડાઈમાંથી પ્રાંતીય સરકારની જાણીજોઈને પીછેહઠ" બાબતે નોંધ લીધી હતી. પરિસ્થિતિની "ગંભીરતા"ને ધ્યાનમાં રાખીને, સભ્યોએ પ્રસ્તાવ મૂક્યો હતો કે વડાપ્રધાન રાષ્ટ્રપતિને સલાહ આપે કે તેઓ "પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરે અને બંધારણની કલમ 232 અને 234 હેઠળ પ્રાંતમાં કટોકટી લાદે." અન્ય એક ન્યૂઝ અનુસાર, કટોકટીની સ્થિતિ લાગુ થયા બાદ રવિવારે પ્રાંતીય રાજ્યપાલ ફૈઝલ કરીમ કુંડીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રાંતના લોકો રાષ્ટ્રપતિની જાહેરાતનું સ્વાગત કરે છે. તેમણે ઉમેર્યું કે તેઓ અશાંતિ અને અસુરક્ષાને બદલે શાંતિ, સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિ ઈચ્છે છે.
આ પણ વાંચો: 'યુવાઓ દ્વારા અરાજકતા ફેલાવી રહી છે આવી પાર્ટીઓ', CJP વિરોધ પ્રદર્શન પર ચિરાગ પાસવાન લાલઘૂમ