સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દક્ષિણ અફઘાનિસ્તાનના કંધાર શહેરને પણ નિશાન બનાવવામાં આવ્યું, જ્યાં એક ફ્યુઅલ ડિપો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. હુમલા પછી વિસ્તારમાં આગ લાગી હતી અને અનેક કલાકો સુધી ધુમાડો ઉઠતો રહ્યો હતો.

આ એરસ્ટ્રાઈકમાં કેટલાક નાગરિકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે

અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ એરસ્ટ્રાઈકમાં કેટલાક નાગરિકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે, જોકે હજી સુધી કોઈના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. કંધાર ઉપરાંત સરહદી અન્ય વિસ્તારોમાં પણ વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. સ્થાનિક પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા વધારી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી સુરક્ષા મુદ્દે તણાવ

પાકિસ્તાન તરફથી આ કાર્યવાહી અંગે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સરહદ પાર સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી સુરક્ષા મુદ્દે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં હુમલા કરવા માટે કરી રહ્યા છે.

અફઘાન પક્ષે આ હુમલાની નિંદા કરી 

બીજી તરફ અફઘાન પક્ષે આ હુમલાની નિંદા કરી છે અને તેને પોતાની સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સ્થાનિક લોકોમાં પણ ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. હુમલા બાદ અનેક પરિવારો સુરક્ષિત સ્થળોએ જવા લાગ્યા છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચે તણાવ આ જ રીતે વધતો રહેશે તો પ્રાદેશિક સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ બંને દેશોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવા અપીલ કરી છે. હાલમાં વિસ્તારમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને સમગ્ર વિશ્વની નજર આ પરિસ્થિતિ પર ટકી છે.

આ પણ વાંચો: Iran Israel War : આખરે રશિયાની મિડલ ઇસ્ટ યુદ્ધમાં એન્ટ્રી, ઇરાનને સોંપી US સાથે જોડાયેલી ગુપ્ત જાણકારી