ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ કોઈ ન ભુલી શકે, કારણ કે બંને દેશો યુદ્ધના મેદાને હતા અને આખા વિશ્વમાં તેની ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથેના લશ્કરી મુકાબલા દરમિયાન પરમાણુ યુદ્ધની કોઈપણ શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ કોઈ હુમલા માટે નથી પરંતુ શાંતિપૂર્ણ હેતુઓ અને સ્વ-બચાવ માટે છે.
શાહબાઝ શરીફ પરમાણુ હુમલાઓ પર શું બોલ્યા?
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એક સંબોધનમાં કહ્યું હતું કે, આપણો પરમાણુ કાર્યક્રમ દેશની સુરક્ષા માટે છે, આક્રમણ માટે નહીં. તેને હુમલાનું સાધન માનવું ખોટું છે. 4 દિવસના લશ્કરી તણાવનો ઉલ્લેખ કરતા તેમણે દાવો કર્યો હતો કે ભારતીય હુમલામાં 55 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા હતા. આ સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાને સંપૂર્ણ તાકાતથી જવાબ આપ્યો હતો.
'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાનને જડબાતોડ જવાબ
શાહબાઝ શરીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા જેની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' દ્વારા લેવામાં આવી હતી.
ભારતીય સેનાએ 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ બહાવલપુર સહિત ઘણા મહત્વપૂર્ણ ઠેકાણાઓનો નાશ કર્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ એવા અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને પદ પરથી હટાવી શકાય છે અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર તેમના સ્થાને રાષ્ટ્રપતિ બનવાની યોજના બનાવી રહ્યા છે.