પાકિસ્તાનમાં ચીનના સહયોગથી બની રહેલા તારબેલા ડેમના પાંચમા વિસ્તરણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રોજેક્ટની નિર્માણાધીન ટનલ-5નો એક ભાગ ધરાશાયી થતાં જળાશયમાં અચાનક પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. બાંધકામનું કામ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યું છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
1,530 મેગાવોટના પ્રોજેક્ટમાં દુર્ઘટના
તારબેલા ડેમના પાંચમા વિસ્તરણનો આ પ્રોજેક્ટ 1,530 મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. નિર્માણાધીન ટનલ-5નો ભાગ તૂટી પડતાં પ્રોજેક્ટ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની વિગતો સામે આવી નથી.
2025માં પણ થઈ હતી મોટી દુર્ઘટના
તારબેલા-5 પ્રોજેક્ટમાં વર્ષ 2025 પછી આ બીજી મોટી ઘટના હોવાનું જણાવાયું છે. જુલાઈ 2025માં પ્રોજેક્ટને થયેલા નુકસાન અંગે પાકિસ્તાન વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટીની જવાબદારી સામે આવી હતી. આ ઘટના બાદ ત્રણ સભ્યોની સ્વતંત્ર તપાસ સમિતિએ 15 પાનાંનો અહેવાલ તૈયાર કર્યો હતો. તેમાં બાંધકામનો કરાર મળ્યા બાદ મંજૂરી વિના ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.
ડિઝાઇનમાં ફેરફારથી નબળો કોફરડેમ બન્યો
તપાસ સમિતિના અહેવાલ મુજબ, કોન્ટ્રાક્ટરે કોફરડેમની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, કરારની શરતો હેઠળ આવા ફેરફારની મંજૂરી નહોતી. તેમ છતાં એન્જિનિયરે તકનીકી નિયમોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કર્યા વિના શરતો સાથે ડિઝાઇનની ખામીને સ્વીકારી લીધી હતી. ત્યારબાદ પાકિસ્તાન વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટીએ બાંધકામ પૂર્ણ થવાના નજીકના તબક્કે યોગ્ય તપાસ કર્યા વિના ફેરફારને મંજૂરી આપી હતી. સમિતિના મતે, આ પ્રક્રિયાને કારણે નબળો કોફરડેમ તૈયાર થયો હતો અને તેની માળખાકીય નિષ્ફળતાને કારણે પ્રોજેક્ટમાં પાણી ભરાવું, વિલંબ અને આર્થિક નુકસાન થયું હતું.
ત્રણેય પક્ષોની જવાબદારી પર સવાલ
અહેવાલમાં કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને સંબંધિત સત્તામંડળ દ્વારા કરાર હેઠળની જવાબદારીઓનું પાલન ન થયું હોવાનું નોંધાયું હતું. પીસીસીસીએલ દ્વારા કોફરડેમની મૂળ ડિઝાઇનના સ્થાને પથ્થરોથી ભરેલી રચના બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તપાસ સમિતિએ આ વિકલ્પને નબળો ગણાવ્યો હતો. સંશોધિત રચના બાદમાં ધરાશાયી થઈ હતી. કરારની શરતો અને તકનીકી યોગ્યતાની પૂરતી તપાસ કર્યા વિના ફેરફારને મંજૂરી આપવામાં આવી હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે.
આ પણ વાંચો : Accident : ગળામાં ફસાયો ફુગ્ગો, 13 વર્ષની બાળકીનું મોત; દિવાળીની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ