Pakistan Terror Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા (KP) પ્રાંતમાં સુરક્ષાદળો પર ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. હંગૂ-થલા રોડ પર કૈસરી વિસ્તારમાં ફ્રન્ટિયર કોર્પ્સ (FC)ના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલામાં 8 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. હુમલામાં ઘણા સૈનિકો ઘાયલ થયા છે. હુમલા બાદ સુરક્ષાદળોએ જવાબી ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના કારણે આતંકીઓને પાછળ હટવું પડ્યું.

QRF પાર્ટીના કાફલાને બનાવાયો નિશાન

મળતી માહિતી મુજબ, પેટ્રોલિંગ માટે નીકળેલી બે ગાડીઓની ક્વિક રિએક્શન ફોર્સ (QRF) પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. તેની પાછળ LMGથી સજ્જ એક વાહન ચાલી રહ્યું હતું. આતંકીઓએ પહેલા હુમલામાં કાફલાના LMG વાહનને નિશાન બનાવી તેને નષ્ટ કરી દીધું હતું. આ પછી તરત જ થયેલા બીજા હુમલામાં આતંકીઓએ સચોટ ગોળીબાર કર્યો હતો. ગોળીઓ હિલાક્સ (Hilux) ગાડીની બુલેટપ્રૂફ સ્ક્રીનને પાર કરીને અંદર સુધી પહોંચી ગઈ હતી. આ હુમલામાં પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ શિરાજ બાબર સહિત 8 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ વર્ષે 1040 સુરક્ષાકર્મીઓના મોત

આ તાજા હુમલા બાદ આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓની સંખ્યા વધીને 1040 થઈ ગઈ છે. ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં સુરક્ષાદળો અને તેમના કાફલાઓ પર સતત થઈ રહેલા હુમલાઓને કારણે પાકિસ્તાની સૈન્યની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

બલૂચિસ્તાનમાં પણ સુરક્ષાચોકી પર હુમલો

બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં આવેલા બુલેડા વિસ્તારના કોશકમાં પાકિસ્તાની સુરક્ષાદળોની એક ચોકી પર સશસ્ત્ર હુમલો થયાની પણ માહિતી સામે આવી છે. જોકે, પાકિસ્તાની અધિકારીઓ દ્વારા હજુ સુધી આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

વિસ્ફોટક ભરેલી ગાડીથી આત્મઘાતી હુમલો

આ પહેલાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ ઓલ્ડ પોલીસ લાઇન્સ પરિસરમાં 19 સપ્ટેમ્બરે શુક્રવારના રોજ નમાજ દરમિયાન વિસ્ફોટક ભરેલી ગાડીથી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ TTP સાથે જોડાયેલા 8 હથિયારધારી આતંકીઓએ કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) અને સ્પેશિયલ બ્રાન્ચની ઇમારતો પર હુમલો કર્યો હતો.

22 કલાકના ઓપરેશનમાં 8 આતંકીઓ ઠાર

પાકિસ્તાની સેના અને સ્પેશિયલ ફોર્સે લગભગ 22 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ તમામ 8 આતંકીઓને ઠાર કર્યા હતા. આ ભીષણ હુમલામાં 17 પોલીસ અધિકારીઓ અને એક બાળક સહિત ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી તાલિબાન સમર્થિત સંગઠન ઇત્તેહાદ-ઉલ-મુજાહિદીન પાકિસ્તાને લીધી છે.

આ પણ વાંચો: Jammu Kashmirમાં સુરક્ષાદળોને મોટી સફળતા, બડગામ એન્કાઉન્ટમાં લશ્કર-એ-તૈયબાનો આતંકી યાસિર ઠાર