ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટી અને રક્તરંજિત ઘટનાને અંજામ આપ્યો છે. આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલી એક કારને સુરક્ષા દળોની ચોકી સાથે અથડાવી દીધી હતી. આ ભયાનક આત્મઘાતી હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો સહિત કુલ 15 લોકોના મોત નીપજ્યા છે. પાકિસ્તાની સેનાએ આપેલા નિવેદન અનુસાર, સૈનિકો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં 12 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.
અફઘાનિસ્તાન સરહદ નજીક બની ઘટના
આ હુમલો ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા ટેન્ક જિલ્લામાં થયો હતો. આ સુરક્ષા ચોકી પાકિસ્તાની સેના અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહી હતી. ટેન્ક જિલ્લો અને તેની આસપાસનો વિસ્તાર લાંબા સમયથી ઇસ્લામી આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે. સેનાના નિવેદન મુજબ, આતંકવાદીઓએ પહેલા ચોકીમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવતા આતંકીઓએ વિસ્ફોટકો ભરેલી ગાડી ચોકીની બહારની દીવાલ સાથે અથડાવી દીધી હતી.
TTP એ લીધી હુમલાની જવાબદારી
સ્થાનિક તાલિબાન તરીકે ઓળખાતા આતંકવાદી સંગઠન 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) એ આ ભયાનક હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠને એક સત્તાવાર નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે આ ઓપરેશનમાં તેમના ચાર આત્મઘાતી હુમલાખોરો (Suicide Bombers) સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, TTP 2007થી પાકિસ્તાન સરકાર અને તેની સેના સામે હિંસક બળવો કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ દેશમાં ઇસ્લામિક કાનૂન લાગુ કરવાનો છે.
અફઘાનિસ્તાન પર આરોપ-પ્રત્યારોપ ચાલુ
પાકિસ્તાન લાંબા સમયથી એવો આક્ષેપ કરતું આવ્યું છે કે આતંકવાદીઓ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ટ્રેનિંગ લેવા અને પાકિસ્તાનમાં હુમલાઓનું પ્લાનિંગ કરવા માટે કરે છે. બીજી તરફ, અફઘાનિસ્તાનની શાસક તાલિબાન સરકાર આ તમામ આરોપોને સતત નકારતી આવી છે. અફઘાનિસ્તાનનું કહેવું છે કે આતંકવાદ એ પાકિસ્તાનની આંતરિક સમસ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: LPG Tanker Disha: ઈરાનના જળક્ષેત્રમાં LPG ટેન્કર દિશા પર હુમલો, તમામ 28 ભારતીયો સુરક્ષિત