પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વાની ચૂંટાયેલી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સરકારને હટાવીને રાજ્યપાલ શાસન સાથે કટોકટી લાદી દેવામાં આવતા રાજકીય અસ્થિરતા વચ્ચે ભારે હિંસા ભડકી ઊઠી છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહેલા સમર્થકો પર સુરક્ષા દળો અને પોલીસે ગોળીબાર કર્યો હતો. આ હિંસક કાર્યવાહીમાં પીટીઆઈના ડઝનથી વધુ કાર્યકરો ઘાયલ થયા છે.
પ્રદર્શનકારીઓ સામે ગોળીબાર
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બારા શહેરમાં મંગળવારે 200 થી વધુ લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ આંદોલનને રોકવા માટે સુરક્ષા દળોએ અશ્રુવાયુના સેલ છોડ્યા, લાઠીચાર્જ કર્યો અને ગોળીબાર કર્યો હતો.
11 પ્રદર્શનકારીઓ ઘાયલ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, લાઠીચાર્જ બાદ પ્રદર્શનકારીઓ ફરી એકઠા થયા હતા અને સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ કરીને તેમના હથિયારો છીનવવાનો પ્રયાસ કર્યો હતો. સાથી પોલીસકર્મીઓને બચાવવા માટે હવામાં ચેતવણીરૂપ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હિંસક સંઘર્ષમાં ગોળીઓ અને પથ્થર વાગવાથી 11 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. લોકોએ ઇમરજન્સી સેવાઓની કચેરીમાં તોડફોડ કરી એક સરકારી ઇમારતને આગ ચાંપી દીધી હતી.
50 લોકોની ધરપકડ
બીજી તરફ, પીટીઆઈના સ્થાનિક નેતાઓના જણાવ્યા મુજબ પોલીસે ટોળા પર સીધો ગોળીબાર કર્યો હતો, જેમાં ડઝનથી વધુ કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસે બારામાંથી તોડફોડ અને આતંકવાદી પ્રવૃત્તિઓની શંકા હેઠળ 50 લોકોની ધરપકડ કરી છે.
ઈમરાન ખાનની મુક્તિની માગ
ઈમરાન ખાનની મુક્તિની માગ સાથે છેલ્લા કેટલાક સપ્તાહથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં હજારો સમર્થકો વિશાળ રેલીઓ કાઢી રહ્યા છે, કારણ કે આ વિસ્તાર પીટીઆઈનો મજબૂત ગઢ માનવામાં આવે છે. દેશમાં પ્રવર્તતી કથળેલી આર્થિક સ્થિતિને કારણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ પહેલેથી વધી ગઈ છે.
ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ
પૂર્વ ક્રિકેટ ખેલાડી ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે. દેશમાં સરકાર અને સેના વિરુદ્ધ થયેલા રમખાણો બાદ તેમના પર ભ્રષ્ટાચાર તેમજ દેશદ્રોહ જેવા અનેક ગંભીર આરોપો લગાવાયા છે, જેને ખાને અને તેમની કાનૂની ટીમે રાજકીય દ્વેષપૂર્ણ ગણાવીને સંપૂર્ણ ફગાવી દીધા છે. ફેડરલ સરકારે પ્રાંતમાં કટોકટી લાદવાના પગલાંને યોગ્ય ઠેરવી આક્ષેપ કર્યો છે કે પીટીઆઈ સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહી છે. પીટીઆઈ પક્ષે તેને લોકશાહીની હત્યા ગણાવી છે.
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ વિરોધ
આ ઉપરાંત, પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ વેપારીઓએ કર નીતિઓ અને ફૂડ એક્ટ 2022ના વિરોધમાં બજારો બંધ રાખી હડતાળ પાડી છે. સ્થાનિક વેપારીઓ પહેલેથી આર્થિક સંકટમાં છે ત્યારે સરકારે આકરી ફી, ફરજિયાત નોંધણી અને કરવેરા લાદ્યા છે. વેપારી સંગઠનોએ આ સરકારી નીતિઓ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો : Amit Shahનો હૂંકાર, 2029માં પ્રચંડ હારનો સામનો કરવા તૈયાર રહે રાહુલ