
પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK) માં સ્થિતિ અત્યંત ગંભીર અને બેકાબૂ બની ગઈ છે. PoKના રાવલાકોટમાં આજે એકવાર ફરી પાકિસ્તાની રેન્જર્સ અને સેનાએ પ્રદર્શનકારીઓ પર સીધું અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ તાજા હિંસાચારમાં વધુ 2 લોકોના મોત થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલ છે. 9 જૂનથી શરૂ થયેલા આ લોહિયાળ વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાની સેનાની બર્બરતાના કારણે અત્યાર સુધીમાં કુલ 55 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સેના અને રેન્જર્સે પ્રદર્શનકારીઓ પર દબાણ લાવવા માટે 20-20 મિનિટના બે રાઉન્ડ સુધી રબર બુલેટ અને એકે-૪૭ (AK-47) રાઈફલથી સીધું ફાયરિંગ કર્યું હતું.

પ્રથમ હુમલો વહેલી સવારે લગભગ 4 વાગ્યે થયો હતો, જ્યારે પ્રદર્શનકારીઓ રાવલાકોટના ઇદગાહ મેદાન પાસે રસ્તા પર નમાઝ પઢવા માટે એકઠા થયા હતા. અચાનક થયેલા ફાયરિંગથી નાસભાગ મચી ગઈ હતી અને પ્રદર્શનકારીઓ જીવ બચાવવા ઇદગાહ મેદાન તરફ ભાગ્યા હતા. ત્યારબાદ સવારે 7 વાગ્યે સેનાએ ફરીથી મેદાનમાં એકત્રિત થયેલા લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં મીરપુરના એક પ્રદર્શનકારી અને રાવલાકોટના એક સ્થાનિક નાગરિકનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળેથી લોહીના ડાઘ અને ગોળીઓના ખોખા મોટી સંખ્યામાં મળી આવ્યા છે.

અત્યાર સુધીમાં 55 લોકોના મોત થઈ ચૂક્યા હોવા છતાં પ્રદર્શનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. કુલ 38 માંગણીઓમાંથી મુખ્ય ૨ માંગણીઓ પર મામલો ગૂંચવાયો છે:

હાલમાં PoKના ચૂંટાયેલા નેતાઓએ પાકિસ્તાન પ્રત્યે અને PoKના પાકિસ્તાનમાં વિલય પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવા પડે છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે આ શપથ બદલીને જમ્મુ-કાશ્મીરની ભૌગોલિક અખંડિતતા અને જમ્મુ-કાશ્મીર રાજ્ય પ્રત્યે વફાદાર રહેવાની શપથ દાખલ કરવામાં આવે. 2. શરણાર્થી બેઠકો નાબૂદ કરવી: PoKમાં 12 કથિત શરણાર્થી બેઠકો છે, જેના આધારે પાકિસ્તાની સરકાર અને તેની ગુપ્તચર એજન્સી ISI અહીં કઠપૂતળી સરકાર બનાવે છે અને રાજકીય તોડજોડ કરે છે. જનતા આ 12 બેઠકો નાબૂદ કરવાની માંગ કરી રહી છે.

પાકિસ્તાનની સરકાર અને સેના માને છે કે જો આ બે માંગણીઓ સ્વીકારવામાં આવશે, તો PoKમાં પાકિસ્તાનનો હસ્તક્ષેપ સંપૂર્ણપણે ખતમ થઈ જશે અને આ વિસ્તાર પાકિસ્તાનથી આઝાદ થવા તરફ આગળ વધશે. આ જ કારણે બંને પક્ષો વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે.પાકિસ્તાન સરકારે પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી 'અવામી એક્શન કમિટી' ને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે. એટલું જ નહીં, આ આંદોલનના 4 મુખ્ય નેતાઓ - શૌકત નવાઝ મીર, સરદાર ઉમર નજીર, ખ્વાજા મહેરાન અને સરદાર અમન ખાન પર દેશદ્રોહ અને રમખાણોનો ગુનો નોંધીને પાકિસ્તાન સરકાર દ્વારા તેમના પર 1 કરોડ પાકિસ્તાની રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર PoK વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયો છે.