સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી પાકિસ્તાનના કરાચી જઈ રહેલું એક પાકિસ્તાની કાર્ગો વિમાન મંગળવારે રાત્રે અચાનક ગુમ થઈ ગયું હતું. વિમાનમાં ક્રૂના પાંચ સભ્યો સવાર હતા. વિમાનનો રડાર અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) દ્વારા મોટા પાયે શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
કે-2 એરવેઝનું બોઇંગ 737 કાર્ગો વિમાન ગુમ
મળતી માહિતી મુજબ, કે-2 એરવેઝનું બોઇંગ 737 કાર્ગો વિમાન મંગળવારે રાત્રે લગભગ 9:18 વાગ્યે ઉડાન દરમિયાન નેવિગેશન સિસ્ટમમાં ટેક્નિકલ ખામી અંગે જાણ કરી હતી. ત્યારબાદ કરાચી એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા પાઇલટને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રડાર પર ઝડપથી નીચે ઉતરતું જોવા મળ્યું વિમાન
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 9:22 વાગ્યે વિમાન રડાર પર ઝડપથી નીચે ઉતરતું જોવા મળ્યું હતું. આ દરમિયાન વિમાને અચાનક પોતાની દિશામાં પણ ફેરફાર કર્યો હતો. થોડા સમય બાદ કરાચીથી આશરે 155 નોટિકલ માઇલ પશ્ચિમ તરફ વિમાનનો રડાર સિગ્નલ અને સંચાર સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો.
ઘટના બાદ તરત જ રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટરને સક્રિય કરવામાં આવ્યું હતું. સરકારી વિભાગો અને વિવિધ સુરક્ષા એજન્સીઓની મદદથી અરબી સમુદ્રમાં વિમાનની શોધ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ ટીમો દ્વારા સંભવિત વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
વિમાનની નીચે ઉતરવાની ગતિ પર ઉઠ્યા સવાલ
વૈશ્વિક ફ્લાઇટ ટ્રેકિંગ સેવા ફ્લાઇટ રાડાર 24ના પ્રાથમિક આંકડા અનુસાર, વિમાન પહેલા ધીમે ધીમે ઊંચાઈ ગુમાવતું જોવા મળ્યું હતું. ત્યારબાદ તે થોડા સમય માટે ફરી ઉપર ગયું હતું, પરંતુ પછી અચાનક ખૂબ ઝડપથી નીચે આવવા લાગ્યું હતું.
ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાનમાંથી મળેલો છેલ્લો સંકેત સમુદ્ર સપાટીથી લગભગ 1,100 ફૂટ હતુ
ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાનમાંથી મળેલો છેલ્લો સંકેત સમુદ્ર સપાટીથી લગભગ 1,100 ફૂટ એટલે કે 335 મીટરની ઊંચાઈનો હતો. તે સમયે વિમાન લગભગ પ્રતિ મિનિટ 22,400 ફૂટની ઝડપે નીચે ઉતરી રહ્યું હતું. ઉડ્ડયન નિષ્ણાતો આ પ્રકારની ગતિને અસામાન્ય અને ગંભીર સ્થિતિ તરીકે ગણાવે છે.
બલૂચિસ્તાનના દરિયાકાંઠા નજીક ગુમ થયું વિમાન
સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, આ વિમાન પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ઓરમારા દરિયાકાંઠા નજીક અરબી સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો. PAA દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિમાનની શોધ માટે દરિયાઈ વિસ્તારમાં અનેક એજન્સીઓને કામે લગાડવામાં આવી છે અને બચાવ કામગીરી ચાલુ છે.
આ કાર્ગો વિમાન પાકિસ્તાનની ખાનગી એરલાઇન કે-2 એરવેઝનું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કંપની દેશની અંદર તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમિત અને ચાર્ટર કાર્ગો ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
1999માં બન્યું હતું બોઇંગ વિમાન
આ બોઇંગ 737 વિમાનનું નિર્માણ વર્ષ 1999માં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેનો ઉપયોગ મુસાફર વિમાન તરીકે થતો હતો. અગાઉ તેને રશિયાની Aeroflot અને ઇન્ડોનેશિયાની Garuda Indonesia જેવી એરલાઇન્સ દ્વારા ચલાવવામાં આવ્યું હતું.
વર્ષ 2012માં આ વિમાનને કાર્ગો વિમાનમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. હાલમાં અધિકારીઓ દ્વારા વિમાનના ગુમ થવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને દરિયાઈ વિસ્તારમાં શોધ કામગીરી