પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે ભારતે 7 મે, 2025ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાન સ્થિત અનેક આતંકવાદી છાવણીઓ અને મહત્વપૂર્ણ એરબેઝને નષ્ટ કર્યા હતા. આ કાર્યવાહી બાદ પાકિસ્તાન રાજકીય અને સૈન્ય સ્તરે ભારે દબાણમાં આવી ગયું હતું.
લડાઇની જગ્યા પર આ માર્ગ
યુદ્ધના મેદાનમાં મળેલી હાર પછી પાકિસ્તાને સીધી લડાઈની જગ્યાએ નાણાકીય અને રાજદ્વારી માર્ગ અપનાવ્યો. અમેરિકામાં પ્રભાવ ધરાવતા લોકો અને સંસ્થાઓ મારફતે યુદ્ધ બંધ કરાવવા માટે પાકિસ્તાને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ જાહેર થયેલા દસ્તાવેજો મુજબ, પાકિસ્તાને લગભગ ₹450 મિલિયન ખર્ચીને વિવિધ અમેરિકન લોબિંગ ફર્મ્સને કામે લગાડી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ બોડીગાર્ડ
આ લોબિંગમાં સૌથી વધુ ચર્ચામાં નામ આવ્યું છે કીથ શિલરનું, જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત બોડીગાર્ડ રહી ચૂક્યા છે. કીથ શિલર હાલમાં જેવેલિન એડવાઇઝર્સ નામની લોબિંગ ફર્મ સાથે સંકળાયેલા છે. પાકિસ્તાને આ ફર્મ ઉપરાંત સીડેન લો LLP અને અન્ય સલાહકાર કંપનીઓની પણ મદદ લીધી હતી.
60 વખત અમેરિકન અધિકારીઓનો સંપર્ક
FARA ફાઇલિંગ મુજબ, પાકિસ્તાની પ્રતિનિધિઓ અને લોબિસ્ટ્સે લગભગ 60 વખત અમેરિકન અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. આ સંપર્કોમાં ફોન કોલ, ઇમેઇલ, મેસેજ અને રૂબરૂ બેઠકોનો સમાવેશ થાય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ, પેન્ટાગોન, વ્હાઇટ હાઉસ, કોંગ્રેસના સભ્યો તેમજ પ્રભાવશાળી મીડિયા હાઉસો સુધી પાકિસ્તાન પોતાની વાત પહોંચાડવા પ્રયાસ કરતું હતું.
આર્મી ચીફની મુલાકાતનો પણ ઉલ્લેખ
દસ્તાવેજોમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની વોશિંગ્ટન મુલાકાતનો પણ ઉલ્લેખ છે. લોબિસ્ટ્સ દ્વારા ગોઠવાયેલી બેઠકોમાં અમેરિકા પાસે મધ્યસ્થી કરવાની, ભારતની સૈન્ય કાર્યવાહી રોકવાની અને આર્થિક સહાય આપવા વિનંતી કરવામાં આવી હતી.
આ રણનીતિ પહેલા પણ અપનાવી
આ પ્રકારની રણનીતિ પાકિસ્તાન અગાઉ પણ અપનાવી ચૂક્યું છે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે અમેરિકાની મદદ માગી હતી. આ વખતે તેમના ભાઈ શાહબાઝ શરીફના નેતૃત્વમાં એ જ રીત ફરી અપનાવવામાં આવી.
આ પણ વાંચો : World News : ફિલિપાઇન્સમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ