મધ્ય અમેરિકન રાષ્ટ્ર પનામામાં શુક્રવારે વહેલી સવારે કુદરતનો પ્રચંડ પ્રકોપ જોવા મળ્યો છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, દેશના દક્ષિણ ભાગમાં ૭.૬ થી ૭.૭ ની વિકરાળ તીવ્રતા ધરાવતો મહાકાય ભૂકંપ ત્રાટક્યો હતો. આ વિનાશક આંચકાના કારણે રહેણાંક ઘરો ધરાશાયી થવાની અણી પર આવી ગયા છે, પાવર ગ્રીડ ખોરવાઈ જતાં વ્યાપક વીજ કાપ સર્જાયો છે અને વિમાન સેવાઓ (ફ્લાઇટ્સ) તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે. મુખ્ય આંચકા બાદ સતત એક ડઝનથી વધુ આફ્ટરશોક્સ નોંધાતાં સમગ્ર દેશમાં ભયનો માહોલ છવાયો છે.

રાજધાનીમાં ઇમારતો હચમચી ગઈ

USGS ના અહેવાલ મુજબ, આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ પનામાના છેડા નજીક આવેલા પિટાલોસા અરિબાથી આશરે 10 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને જમીનથી માત્ર 10 કિમીની ઊંડાઈએ સ્થિત હતું. કેન્દ્રબિંદુ દૂર હોવા છતાં રાજધાની પનામા સિટીમાં બહુમાળી ઇમારતો અને કોમર્શિયલ ટાવર્સ જોરદાર રીતે ઝૂલવા લાગ્યા હતા. સંભવિત હોનારતથી બચવા માટે સુરક્ષા સાયરન વાગતાં જ હજારો લોકો પોતાની ઓફિસો અને ફ્લેટ્સ છોડીને ખુલ્લા રસ્તાઓ પર દોડી આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે રાજધાનીમાં કોઈ મોટી જાનહાનિ ન નોંધાઈ હોવાનું જણાવાયું છે.

હેરેરા પ્રાંતમાં તબાહીના દ્રશ્યો: "ઘર તૂટી પડવાનો ડર છે"

ભૂકંપના કેન્દ્રની નજીક આવેલા હેરેરા પ્રાંત અને લાસ મિનાસ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સ્થાનિક ટીવી ફૂટેજમાં વૃદ્ધ લોકો શેરીઓમાં અસહાય બનીને રડતા નજરે પડ્યા હતા. લાસ મિનાસના 74 વર્ષીય વૃદ્ધ રિકાર્ડો બ્રાઉને આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ હૈયાબાળો ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે ભારે ડરી ગયા છીએ. ઘરમાં માત્ર બે વૃદ્ધો જ રહીએ છીએ. દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને અમને સતત ફફડાટ છે કે આ છત અમારા પર ગમે ત્યારે પડી જશે."

મકાનોની દીવાલો અને છતો ક્ષતિગ્રસ્ત થઈ

લાસ મિનાસ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સેંકડો મકાનોની દીવાલો અને છતો ક્ષતિગ્રસ્ત થઈ હોવાના અહેવાલો છે.ફ્લાઇટ્સ બંધ, વીજળી ગુલ અને 12થી વધુ આફ્ટરશોક્સ ધરતી ધ્રૂજ્યા બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો ફટકો પડ્યો છે. રનવે અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમની સુરક્ષા ચકાસણી માટે ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી હતી. વીજ લાઈનો તૂટી પડતાં અને ટ્રાન્સફોર્મર ટ્રીપ થતાં અનેક પ્રાંતોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

લોકો ઘરોમાં પાછા જવાની હિંમત કરી શકતા નથી

 મુખ્ય ભૂકંપ બાદ ઉપરાછાપરી 12 કરતાં વધુ આફ્ટરશોક્સ નોંધાયા છે, જેના કારણે લોકો ઘરોમાં પાછા જવાની હિંમત કરી શકતા નથી.USGS અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સંભવિત નુકસાની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષતિ અંગે હાઈ-લેવલ સમીક્ષા કરવામાં આવી રહી છે તેમજ બચાવ ટીમોને ગ્રામીણ વિસ્તારો તરફ રવાના કરી દેવાઈ છે.

આ પણ વાંચો: Gujarat Latest News Live : મધ્ય અમેરિકાના પનામામાં 7.7 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ; રાજધાની સુધી ધરા ધ્રૂજી