અમેરિકન ડિજિટલ પેમેન્ટ દિગ્ગજ કંપની પેપાલ (PayPal) દ્વારા ભારતીય કર્મચારીઓ માટે એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ પોતાની વૈશ્વિક પુનર્ગઠન યોજનાના ભાગરૂપે ભારતમાં અંદાજે 600 કર્મચારીઓની નોકરીમાંથી અચાનક છટણી કરી દીધી છે. આ કાર્યવાહી કોઈપણ પૂર્વ સૂચના વિના કરવામાં આવી હોવાથી કર્મચારીઓમાં ભારે આઘાત અને રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં થયેલી આ છટણી પેપાલના કુલ કાર્યબળના આશરે 10 ટકા જેટલી છે.
કુશળ યુવાનોનું કરિયર મુશ્કેલીમાં
આ કપાતથી પ્રભાવિત થયેલા મોટાભાગના કર્મચારીઓ ટેકનોલોજી, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ઓપરેશન્સ, પેમેન્ટ્સ પ્રોસેસિંગ અને ફાઇનાન્સ જેવા મહત્વપૂર્ણ વિભાગો સાથે સંકળાયેલા હતા. કંપનીની આ અચાનક કાર્યવાહીના કારણે સેંકડો કુશળ યુવાનોનું કરિયર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
છટણી કરવાની અમાનવીય પદ્ધતિ
મીડિયા અહેવાલો અનુસાર, છટણીની આ પદ્ધતિ અત્યંત ચોંકાવનારી હતી. અસરગ્રસ્ત કર્મચારીઓને ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ અચાનક જ એક વર્ચ્યુઅલ કોલ પર જોડવામાં આવ્યા હતા અને તે જ મીટિંગમાં તેમને નોકરીમાંથી છૂટા કરવાની જાણ કરવામાં આવી હતી. કોલ પૂરો થતાની સાથે જ અનેક કર્મચારીઓની ઓફિસ સિસ્ટમ અને ઈમેલ એક્સેસ તાત્કાલિક ધોરણે બ્લોક કરી દેવામાં આવ્યા હતા. કંપનીએ નોટિસ પિરિયડના બદલામાં લગભગ એક મહિનાનું વળતર અને નવી નોકરી શોધવામાં સહાયતા આપવાનું વચન આપ્યું છે. જો કે, આંતરિક નિયમો અને કઠોર શરતોને કારણે કેટલાક કર્મચારીઓ આ વળતરથી વંચિત પણ રહી શકે છે.
કયા ત્રણ શહેરોને સૌથી મોટો ફટકો પડ્યો?
ભારતમાં પેપાલના મુખ્ય ટેકનોલોજી અને ઓપરેશનલ હબ ગણાતા ત્રણ મોટા શહેરોને આ છટણીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. આ શહેરોમાં ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. આ ત્રણેય મહાનગરોમાં પેપાલના મોટા કેન્દ્રો આવેલા છે, જ્યાંથી કંપની વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અને ગ્રાહક સેવાઓનું સંચાલન કરે છે. છટણી માત્ર કોઈ એક વિભાગ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ વિવિધ પ્રોજેક્ટ્સમાંથી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.
પેપાલ શા માટે આ પગલું ભરી રહી છે?
પેપાલ હાલમાં વૈશ્વિક સ્તરે પોતાના વ્યવસાયને નવેસરથી ગોઠવવાનો અને ઓપરેશનલ ખર્ચમાં મોટા પાયે ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીની નવી વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામગીરીને વધુ સરળ બનાવવાનો અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. અગાઉ મે ૨૦૨૬ માં આવેલા અહેવાલો મુજબ, પેપાલ આગામી બે થી ત્રણ વર્ષમાં તેના વૈશ્વિક કાર્યબળમાંથી અંદાજે 20 ટકા કર્મચારીઓને ઘટાડવાની યોજના ધરાવે છે, જેના હેઠળ વૈશ્વિક સ્તરે આશરે 4,760 નોકરીઓ દૂર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Nepal Flood: છત વિહોણા ઘરો અને કાટમાળમાં ફેરવાયેલી ગલીઓ, દેવીઘાટમાં પ્રલયનો ડ્રોન Video