ફારસની ખાડીમાં દુબઈ તરફ જઈ રહેલા લાઇબેરિયાના ધ્વજવાળા ઓઇલ ટેન્કર પર હુમલો થયો છે. આ ઘટનામાં ટેન્કરના 4 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે, જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. મંગળવારે બનેલી આ ઘટના અંગે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે બુધવારે માહિતી આપી હતી.

અલ-રુવૈસથી દુબઈ જતી વખતે હુમલો

મળતી માહિતી મુજબ, 'એમટી ફુજૈરાહ એનર્જી' નામનું વિશાળ ક્રૂડ ઓઇલ ટેન્કર અલ-રુવૈસથી દુબઈ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન કોઈ પ્રોજેક્ટાઇલ જેવી વસ્તુથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ક્રૂના 4 સભ્યોને ઈજા પહોંચી હતી.

એક ભારતીય નાવિકને સામાન્ય ઈજા

ઘાયલોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. તેને સામાન્ય ઈજાઓ થઈ હતી અને વધુ તબીબી તપાસ માટે સુરક્ષિત રીતે કિનારે લઈ જવામાં આવ્યો હતો. ટેન્કર પર સવાર અન્ય 18 ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. તેમાં અન્ય 5 ભારતીય નાવિકોનો પણ સમાવેશ થાય છે. 

https://x.com/sarbanandsonwal/status/2120320614573682936?a=osLEbMxw-NWx9sNwYu8&s=20 


સરકાર જહાજ સંચાલન કંપનીના સંપર્કમાં

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. ક્રૂ સભ્યોની સુરક્ષા અને તેમને જરૂરી તબીબી સહાય તથા અન્ય મદદ મળી રહે તે માટે સરકાર જહાજ સંચાલન કંપનીના સંપર્કમાં છે.

હોર્મુઝ જળમાર્ગમાં અગાઉ પણ હુમલો થયો હતો

આ ઘટનાએ ફારસની ખાડી અને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતાં વ્યાપારી જહાજોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે. અગાઉના મહિને ભારતીય નાવિકો સવાર પનામાના ધ્વજવાળા 'એમટી લુઇસ 1' ટેન્કર પર પણ હુમલો થયો હતો. હોર્મુઝ જળમાર્ગમાં લિમ્પેટ માઇન્સથી થયેલા વિસ્ફોટને કારણે જહાજમાં આગ લાગી હતી. તે સમયે જહાજમાં 27 ભારતીય નાવિકો સવાર હતા. બાદમાં સરકારે તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી હતી.   


આ પણ વાંચો :   Kolkata એરપોર્ટ પર હાઇજેકનું એલર્ટ, એર ઇન્ડિયાના પાયલોટે મોકલ્યો સંદેશ