વર્ષ 2025 હવે અંત તરફ છે અને 2026 નવા સપનાઓ અને આશાઓ સાથે સામે ઊભું છે. દુનિયાભરમાં લોકો આવનારા વર્ષમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે, જે ભવિષ્ય જોઈ શકવાનો દાવો કરે છે. પેરુના આ શામન્સ દર વર્ષે જેમ કરે છે તેમ આ વર્ષે પણ નવા વર્ષની આગાહી સાથે સામે આવ્યા છે. સોમવારે યોજાયેલા આ પરંપરાગત સમારોહમાં શામન્સે અમેરિકા, વેનેઝુએલા અને પેરુ સહિત અનેક દેશોના નેતાઓના ભવિષ્ય વિશે વાત કરી. તેમાં ખાસ કરીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો વિશેની આગાહીઓ ચર્ચામાં રહી.
અમેરિકાએ સાવચેત રહેવું જોઈએઃ પેરૂ તાંત્રિક
સમારોહ દરમિયાન શામન જુઆન ડી ડિઓસ ગાર્સિયાએ રેતી પર ફૂલો છાંટતા જણાવ્યું, અમેરિકાએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે હું જોઈ રહ્યો છું કે ડોનાલ્ડ ટ્રમ્પ ગંભીર રીતે બીમાર પડશે.” ગાર્સિયાએ પેરુની રાજનીતિ અંગે પણ આગાહી કરી. તેમના જણાવ્યા મુજબ, પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફુજીમોરીની પુત્રી કેઈકો ફુજીમોરી, જે અત્યાર સુધી ત્રણ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ચૂકી છે, તે 2026માં અંતે સફળતા મેળવશે.
કેઈકો ફુજીમોરી 2026માં રાષ્ટ્રપતિ બનશેઃ પેરૂ તાંત્રિક
તેમણે કહ્યું, જે મહિલા પેરુ પર શાસન કરવાનો સ્વપ્ન જુએ છે, વાચુમા (પરંપરાગત વનસ્પતિ)ના સંકેતોમાં મને દેખાઈ રહ્યું છે કે કેઈકો ફુજીમોરી 2026માં રાષ્ટ્રપતિ બનશે. આ ઉપરાંત, શામન્સે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંતની પણ આગાહી કરી. ગાર્સિયાએ જણાવ્યું, હું જોઈ રહ્યો છું કે આ સંઘર્ષ પૂરો થશે અને શાંતિનો ધ્વજ લહેરાવશે.
જો કે, નોંધનીય વાત એ છે કે આ પ્રકારનો સમારોહ દર વર્ષે ડિસેમ્બરના અંતમાં યોજાય છે અને અગાઉ પણ શામન્સે યુક્રેન યુદ્ધના અંતની આગાહી કરી હતી. ખાસ કરીને 2023માં કરવામાં આવેલી આગાહી હજી સુધી સાચી સાબિત થઈ નથી, કારણ કે યુદ્ધ હજુ ચાલુ છે. આથી, પેરુના શામન્સની આગાહીઓ રસપ્રદ તો છે, પરંતુ સમય જ બતાવશે કે 2026 ખરેખર તેમની કહેલી દિશામાં આગળ વધે છે કે નહીં.










