30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી ઇઝરાયલ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટના કેપ્ટન સ્મિત મચ્છરનો જીવ બચાવવામાં મદદ કરનાર ડેન્ટિસ્ટે પોતાનો ભયાનક અનુભવ શેર કર્યો છે. તેમણે લોહી લથપથ કેપ્ટનને ભાનમાં રાખવા માટે 45 મિનિટનો સંઘર્ષ અને ઉતરાણ સુધી ચાલુ રહેલા સંઘર્ષ અંગે ખુલાસો કર્યો છે. ડેન્ટિસ્ટે જણાવ્યું કે તેમને ડર હતો કે સમય પૂરો થઈ રહ્યો છે. ડૉ. શોટા મુસાયેવ (૪૭) એ કેપ્ટન મચ્છરના માથા અને હાથ પરના ઘામાંથી ઝડપી લોહીને રોકવા માટે તેમણે વિતાવેલા ભયાનક 45 મિનિટનું વર્ણન કર્યું.


ડૉ. મુસાયેવ અને તેમની પત્ની સિગાલીટ ચીનથી ઇઝરાયલ વાયા દુબઈ જતી કનેક્ટિંગ ફ્લાઇટમાં તેમની સીટ પર બેઠા હતા ત્યારે તેમને ચીસો અને ડૉક્ટરને બોલાવવાનો અવાજ સંભળાયો. તેઓ તાત્કાલિક પીડિત કેપ્ટનને બચાવવા દોડી ગયા.


તેલ અવીવ નજીકના શહેર હોલોનના ડૉ. મુસાયેવે ધ નેશનલને જણાવ્યું, "તેમના (કેપ્ટન મચ્છર) માથા અને ડાબા હાથમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. મેં ઘાવને દબાવવા માટે ટી-શર્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ રક્તસ્ત્રાવ બંધ થતુ ન હતો, તેથી મેં સ્ટીવર્ડ્સ પાસે બરફ માંગ્યો અને તેનો ઉપયોગ કર્યો."


ડરશો નહીં, આપણે ઉતરાણ કરવાના છીએ...

ડૉક્ટર વિમાનના બહાર નીકળવાના દરવાજા પાસે એક સાંકડી જગ્યામાં બેઠા, કેપ્ટનને તાત્કાલિક સહાય પૂરી પાડી અને તેમને ભાનમાં રાખવાનો પ્રયાસ કર્યો. ડૉ. મુસાયેવે કહ્યું, "મેં તેમને કહ્યું, 'કૃપા કરીને સૂઈ ન જાઓ, અમને તમારી જરૂર છે.' મેં તેમને પૂછ્યું કે તેમના કેટલા બાળકો છે અને તેમના નામ શું છે. હું તેમને કહેતો રહ્યો, 'ડરશો નહીં, તમે તમારા પરિવાર પાસે પાછા જશો, અમે ટૂંક સમયમાં ઉતરાણ કરવાના છીએ.'"


યુએઈના એટર્ની જનરલ હમાદ અલ શમ્સીએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બરના હુમલાની તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં કો-પાઇલટે કોકપીટમાં રાખેલા ઇમરજન્સી ક્રેશ કુહાડી (તીક્ષ્ણ હથિયાર) વડે કેપ્ટન પર હુમલો કર્યો અને વિમાનનો નિયંત્રણ લેવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયામાં ઉતારવામાં આવ્યું.


આ પણ વાંચો: Flydubaiને ઈઝરાયલનો ઝટકો, ફરી ફ્લાઇટ શરૂ કરવાની વિનંતીને નકારી