ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વૈશ્વિક રાજનીતિમાં ભારતનું કદ કેટલું વિશાળ છે. જેરુસલેમમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદીને ઇઝરાયલનું અત્યંત પ્રતિષ્ઠિત સન્માન 'સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ' એનાયત કરવામાં આવ્યું હતું. ઇઝરાયલી સંસદના અધ્યક્ષ અમીર ઓહાના દ્વારા આ સન્માન પીએમ મોદીને તેમના ઐતિહાસિક સંબોધન બાદ આપવામાં આવ્યું હતું.
ઐતિહાસિક સંબોધન અને અતૂટ મિત્રતા
કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા ઇઝરાયલી સંસદમાં કરવામાં આવેલું આ પ્રથમ સંબોધન હતું. પીએમ મોદીએ પોતાના વક્તવ્યમાં આ સન્માન બદલ આભાર માનતા જણાવ્યું હતું કે, "આ એવોર્ડ બે જીવંત લોકશાહી દેશો વચ્ચેની અતૂટ અને ગાઢ મિત્રતાનું પ્રતીક છે." તેમણે બંને દેશો વચ્ચેના સુરક્ષા, ટેકનોલોજી અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો હતો.
નેતન્યાહૂ સાથે 'કાર ડિપ્લોમસી'
સંસદના કાર્યક્રમ બાદ એક ખાસ દ્રશ્ય જોવા મળ્યું, જેને સોશિયલ મીડિયા પર કાર ડિપ્લોમસી તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એક જ કારમાં સવાર થઈને એક પ્રદર્શનની મુલાકાતે ગયા હતા. પીએમ મોદીએ આ ક્ષણની તસવીર શેર કરતા લખ્યું કે, "નેતન્યાહૂ અને હું એક એવા પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છીએ જે ટેકનોલોજીની દુનિયામાં થયેલી અદભૂત પ્રગતિ દર્શાવે છે." આ ફોટો બંને નેતાઓ વચ્ચેના અંગત અને મજબૂત સંબંધોની સાક્ષી પૂરે છે.
https://twitter.com/narendramodi/status/2026715470712438923
સંતુલિત વિદેશ નીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
પીએમ મોદીની આ મુલાકાત તેમની દુર્લભ વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે. તેઓ વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા નેતાઓમાં સામેલ છે જેમને ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2018માં પીએમ મોદીને પેલેસ્ટાઇનના સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ કોલર એવોર્ડ' થી નવાજવામાં આવ્યા હતા. મધ્ય પૂર્વના બે પરસ્પર વિરોધી દેશો સાથે સમાન આદર જાળવી રાખવો એ ભારતની સફળ વિદેશ નીતિનું પરિણામ છે.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાના 'કિંગ' બન્યા PM મોદી, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનારા વિશ્વના પ્રથમ નેતા!