શેખ હસીનાએ જેલમાં બંધ હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસની માતાના અંતિમ સંસ્કાર માટે તેમને આપવામાં આવેલા માત્ર પાંચ કલાકના પેરોલ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ધાર્મિક લઘુમતીઓને નિશાન
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવીને થઈ રહેલા સતત હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જેમાં તેમના ઘરો અને પૂજા સ્થળો પર હિંસાની ઘટનાઓનો સમાવેશ થાય છે. શેખ હસીનાએ કહ્યું કે, આ પરિસ્થિતિએ લઘુમતી સમુદાયોમાં ભય વધારી દીધો છે અને ઘણા પરિવારો હવે દેશમાં સુરક્ષિત અનુભવતા નથી. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે, મને બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ સાથે શું થઈ રહ્યું છે તે અંગે ખૂબ જ ચિંતા છે.
ચિન્મય કૃષ્ણ દાસનો ઉઠાવ્યો મુદ્દો
શેખ હસીનાએ જેલમાં બંધ હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસનો કેસ ઉઠાવ્યો, જેને તેમણે એક દુ:ખદ ઘટના ગણાવી. બાંગ્લાદેશી અધિકારીઓએ હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસને તેમની ગંભીર રીતે બીમાર માતાને મળવા માટે પેરોલ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમના મૃત્યુ પછી, તેમને તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે માત્ર પાંચ કલાકની પેરોલ આપવામાં આવી હતી. આ અંગે, તેમણે કહ્યું, "હું એક દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરવા માંગુ છું. ચિન્મય કૃષ્ણ દાસ જેલમાં હતા જ્યારે તેમની માતા ગંભીર રીતે બીમાર હતી. તેમનો પરિવાર ઇચ્છતો હતો કે તેઓ તેમના મૃત્યુ પહેલાં તેમની માતાને મળે, પરંતુ તે શક્ય ન હતું.
ચિન્મય કૃષ્ણ દાસને બે કેસમાં જામીન મળ્યા
બાંગ્લાદેશ સંમિલિત સનાતની જાગરણ જોતના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસ, તાજેતરમાં બે કેસમાં જામીન મળ્યા હોવા છતાં જેલમાં છે, કારણ કે બે અન્ય કેસ તેમની મુક્તિને અટકાવે છે. દાસની 25 નવેમ્બર, 2024 ના રોજ ઢાકામાં ધરપકડ કરવામાં આવી હતી અને ચિત્તાગોંગ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધા પછી બીજા દિવસે તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમની ધરપકડથી બાંગ્લાદેશ અને વિશ્વભરમાં હિન્દુ સમુદાયમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા.
આ પણ વાંચોઃ જેલમાં બંધ પૂર્વ PM ઇમરાન ખાનની બે બહેનોને કરાઈ મુક્ત, સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો
