ઢાકાની તુરાગ નદીમાંથી 28 વર્ષીય યુવાનના મૃતદેહની ઓળખ તેના ખિસ્સામાંથી મળેલા આઇફોન દ્વારા કરવામાં આવી હતી.
રહસ્યમય મૃત્યુએ દેશભરમાં શોક ફેલાવ્યો
5 ઓગસ્ટ, 2024ના રોજ, જ્યારે બાંગ્લાદેશમાં બળવો થયો અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી, ત્યારે તે ક્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે, 28 વર્ષીય ભૂતપૂર્વ બાંગ્લાદેશ વાયુસેના અધિકારી તહસીફ સૌરીનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં તુરાગ નદીમાંથી મળી આવ્યો છે. શેખ હસીનાના દેશ પરત ફરવા અંગે ચર્ચાઓ વેગ પકડી રહી છે. ત્યારે મુખ્ય સાક્ષી અથવા કડી ગણાતા ભૂતપૂર્વ લશ્કરી અધિકારીના રહસ્યમય મૃત્યુએ દેશભરમાં શોક ફેલાવ્યો છે.
પોલીસ તપાસ શરુ
28 ઓક્ટોબર, બુધવારે સાંજે બાંગ્લાદેશની રાજધાની ઢાકાને અડીને આવેલા ટોંગી બંદર ઘાટ અને ઉત્તરાખાન વિસ્તારો નજીક તુરાગ નદીમાં એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો, જેનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન 999 પર ફોન કરીને પોલીસને જાણ કરી. જ્યારે ટોંગી નદી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહ મેળવ્યો, ત્યારે શરૂઆતમાં તે કોઈ અજાણ્યા વ્યક્તિનો હોવાનું જણાયું હતુ. જ્યારે પોલીસે સફેદ પેન્ટ અને કાળો શર્ટ પહેરેલા યુવાનના ખિસ્સા તપાસ્યા, ત્યારે તેમને એક આઇફોન અને કાંડા ઘડિયાળ મળી આવી. આ આઇફોનથી મૃતદેહ 28 વર્ષીય ભૂતપૂર્વ ફ્લાઇટ લેફ્ટનન્ટ કેએમ તહસીફ સૌરીનો હોવાનું ઓળખવામાં મદદ મળી હતી.
બહેનનો આરોપ
આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તહસીફ સૌરીની પિતરાઈ બહેન, મોશફેકા જહાંએ ગુરુવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ખૂબ જ ભાવનાત્મક અને આઘાતજનક પોસ્ટ પોસ્ટ કરી. તેણીએ સીધો આરોપ લગાવ્યો કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે અને શેખ હસીનાના દેશ છોડવાનો વીડિયો તેની પાછળનું કારણ છે. પોતાની પોસ્ટમાં, મોશફેકાએ લખ્યું, મારા ભાઈની હત્યા કરવામાં આવી છે. તેનો વાંક શું હતો? શું તેણે શેખ હસીનાના દેશ છોડીને ભાગી જવાનો વીડિયો શેર કર્યો ન હતો? તેણે પોતે પણ વીડિયો શૂટ કર્યો ન હતો; તેણે ફક્ત એક ખાનગી નાગરિક તરીકે તેને શેર કર્યો હતો. આ વીડિયો તેના એક મિત્ર દ્વારા ફિલ્માવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ભૂતથી ડરવાને બદલે દોસ્તી કરી લીધી!, ટોક્યોના ફ્લેટનો અનોખો કિસ્સો, દર વર્ષે બની રહ્યા છે 35 હજાર ભૂતિયા ઘર
