બાંગ્લાદેશના અનેક ભાગોમાં બોમ્બ વિસ્ફોટ, આગચંપી અને હુમલાઓ થયા છે. શેખ હસીનાના પરત ફરવા અને પક્ષ પરનો પ્રતિબંધ હટાવવા બંધનું એલાન અપાયુ છે.
પોલીસનો કડક બંદોબસ્ત
વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાએ ઓગસ્ટ 2024માં વડા પ્રધાન પદ છોડી ભારતમાં આશ્રય મેળવ્યો હતો. તેમણે હવે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમની પાર્ટીએ 14 થી 19 નવેમ્બર સુધી વિરોધ પ્રદર્શનોની જાહેરાત કરી હતી. આમાં રેલીઓ, પ્રદર્શનો અને દેશવ્યાપી બંધનો સમાવેશ થતો હતો. સરકારે બંધની અપેક્ષાએ સુરક્ષા વધારી દીધી છે, વિવિધ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળો તૈનાત કર્યા છે.
ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન અને અભિનેત્રીની ધરપકડ
પોલીસે ગુરુવારે સવારે ઢાકાના ઉત્તરા વિસ્તારમાંથી ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન નુરુલ ઇસ્લામ નાહિદની ધરપકડ કરી હતી. તેઓ આવામી લીગની સલાહકાર પરિષદના સભ્ય અને સિલહટ-6ના ભૂતપૂર્વ સાંસદ છે. 2008માં આવામી લીગ સરકાર સત્તામાં આવ્યા પછી તેમણે સતત 10 વર્ષ સુધી શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓ સંબંધિત અનેક કેસ તેમની સામે નોંધાયેલા છે.
જ્યોતિની નિવાસસ્થાનેથી ધરપકડ
પોલીસે અભિનેત્રી જ્યોતિકા જ્યોતિને ઉત્તરાના સેક્ટર 18 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. પોલીસે હજુ સુધી તે ચોક્કસ કેસનો ખુલાસો કર્યો નથી. જેમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિનું નામ "આલો અશ્બેઈ" નામના વોટ્સએપ ગ્રુપમાં પણ દેખાયું હતું. જેમાં આવામી લીગને ટેકો આપતા કલાકારો, પત્રકારો અને સાંસ્કૃતિક હસ્તીઓનો સમાવેશ થતો હતો. ઓગસ્ટ 2024 માં હસીના સરકારના પતન પછી આ ગ્રુપની વાતચીત જાહેર થઈ હતી.
બે BNP નેતાઓની હત્યા
નરેલ જિલ્લાના કાલિયા વિસ્તારમાં BNP રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદ અને બગડતી કાયદો અને વ્યવસ્થાના વિરોધમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હુમલામાં બે નેતાઓ માર્યા ગયા હતા. તેમની ઓળખ શાહીન અને સોહેલ મોલ્લા તરીકે થઈ હતી. શાહીન કૃષક દળના કાલિયા એકમના મહામંત્રી હતા, જ્યારે સોહેલ મોલ્લા JASAS ના સ્થાનિક એકમના મહામંત્રી હતા. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિક અધિકારીઓએ હુમલામાં પ્રતિબંધિત આવામી લીગના કાર્યકરોની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ Trump, Putin, Jinpingની મુલાકાતથી કોને થશે ફાયદો?, જાણો
