વકીલના જણાવ્યા મુજબ, તેમને હૃદય સંબંધિત સમસ્યા હતી. 21 સપ્ટેમ્બરથી નૂરીનને તેની બહેન ઉઝમા ખાન સાથે કોટ લખપત જેલમાં કેદ કરાયા છે.
હૃદય સંબંધિત સમસ્યા
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની બહેન નૂરીન નિયાઝીને જેલમાં હૃદય સંબંધિત સમસ્યા સર્જાઇ હતી. ત્યારબાદ તેમને લાહોરની કોટ લખપત જેલમાંથી પંજાબ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમના વકીલ રાણા મુદાસિર ઉમરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નૂરીનને હૃદય સંબંધિત સમસ્યાઓનો અનુભવ થયો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ પ્રાથમિક પરીક્ષણો શરૂ કર્યા છે.
ઇમરાનની બહેનો 21 સપ્ટેમ્બરથી જેલમાં
નૂરીન નિયાઝી અને ઉઝમા ખાનને 21 સપ્ટેમ્બરના રોજ લાહોરમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કોટ લખપત જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમને મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટ, 1960ની કલમ-3 હેઠળ અટકાયતમાં લેવાયા હતા. એક દિવસ પહેલા, તેમની બહેન, અલીમા ખાનને પણ આ જ કાયદા હેઠળ લાહોરમાં અટકાયતમાં લેવામાં આવી હતી. ત્રણેય બહેનોની ધરપકડ એવા સમયે થઈ હતી જ્યારે ઇમરાન ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની તૈયારી કરી રહી હતી. પાર્ટીએ 27 સપ્ટેમ્બરના રોજ ઇસ્લામાબાદ તરફ કૂચનું આયોજન કર્યું હતું. વિરોધનો મુખ્ય ઉદ્દેશ્ય ઇમરાન ખાનની મુક્તિ હતી.
ત્રણ બહેનોની અટકાયત વધુ 30 દિવસ લંબાવાઇ
પંજાબ સરકારે તાજેતરમાં ઇમરાન ખાનની ત્રણ બહેનોની અટકાયત વધુ 30 દિવસ લંબાવી છે. લાહોર હાઇકોર્ટમાં સુપરત કરાયેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. અલીમા ખાનના પુત્ર શહરેજ ખાને ત્રણેય બહેનોની અટકાયતને પડકારતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પંજાબ ગૃહ સચિવના અહેવાલની સમીક્ષા કર્યા પછી કોર્ટે અરજી ફગાવી હતી. જેમાં અટકાયતનો સમયગાળો વધુ 30 દિવસ લંબાવવાની પુષ્ટિ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પોતાના જ દેશમાં ઘઉંની તસ્કરીનો ડર!, પાકિસ્તાનમાં ઘોર અન્ન સંકટ વચ્ચે રાજ્યોમાં ખેંચતાણ
