પ્રશ્ન એ છે કે શું આમંત્રણ ફોર્મેટ અંગેના નિર્ણયથી બાંગ્લાદેશ માટે ઉપલબ્ધ મોટી રાજદ્વારી તક મર્યાદિત થઈ છે.?

BRICSથી અંતર કેમ ? 

18મી બ્રિક્સ સમિટ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. નવી દિલ્હી ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું હતું. તેમાં વૈશ્વિક અર્થતંત્ર, વિકાસ, બહુપક્ષીય વ્યવસ્થા, ઊર્જા, ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સહયોગને સંબોધવામાં આવ્યો હતો. ભારતે આ જ પરિષદના આઉટરીચ સત્રમાં બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહેમાનને આમંત્રણ આપ્યું હતું. જોકે, એક મહત્વપૂર્ણ મુદ્દો હતો. બાંગ્લાદેશ હાલમાં જે BIMSTECના અધ્યક્ષ છે. તેના વર્તમાન અધ્યક્ષ તરીકે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તારિક રહેમાન સરકારે શું કહ્યું?

10 સપ્ટેમ્બરના રોજ, બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી હુમાયુ કબીરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તારિક રહેમાન BRICS સમિટમાં હાજરી આપશે નહીં. તેમણે દલીલ કરી હતી કે આમંત્રણ બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે નહીં, પરંતુ BIMSTEC ના અધ્યક્ષ તરીકે આપવામાં આવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે જ્યારે વડા પ્રધાનને બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે આમંત્રણ મળ્યું ન હતું, તો સરકાર BRICS માં કેવી રીતે હાજરી આપી શકે? તેમણે એમ પણ કહ્યું હતું કે તારિક રહેમાનની ભારતની પહેલી મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ નહીં, પણ એક અલગ દ્વિપક્ષીય મુલાકાત હોવી જોઈએ.

આમંત્રણનું સ્વરૂપ કે રાષ્ટ્રીય હિત?

વડા પ્રધાન માટે સૌથી મહત્વપૂર્ણ વિદેશ નીતિનો નિર્ણય એ છે કે આમંત્રણનો ઉપયોગ તેમના દેશના ફાયદા માટે કેવી રીતે કરવો. તારિક રહેમાન નવી દિલ્હીમાં એક પ્લેટફોર્મનો સામનો કરી રહ્યા હતા જ્યાં ભારતની સાથે, ચીન, રશિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, યુએઈ, બ્રાઝિલ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ દેશોના નેતાઓ હાજર હતા. આવા પ્લેટફોર્મ પર બાંગ્લાદેશની હાજરી પોતે જ એક રાજદ્વારી તક હતી.

બાંગ્લાદેશના રાજદ્વારી વિકલ્પો મર્યાદિત

તારિક રહેમાનને BIMSTECના અધ્યક્ષ તરીકે BRICS સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આનો અર્થ એ થયો કે બાંગ્લાદેશ પાસે વિશ્વની મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ સમક્ષ તેના પ્રાદેશિક સંગઠનની પ્રાથમિકતાઓ રજૂ કરવાની તક હતી. જો કે, આ તકને સ્વીકારવાને બદલે, તારિક રહેમાન સરકારે આમંત્રણની પ્રકૃતિનો ઉલ્લેખ કરીને સમિટથી પોતાને દૂર કરી દીધા હતા. ભારત સાથે બાંગ્લાદેશના મતભેદો સહજ છે અને દ્વિપક્ષીય ચર્ચાઓમાં તેનો ઉકેલ લાવી શકાય છે. જોકે, દરેક આંતરરાષ્ટ્રીય મંચને તે મતભેદોના દૃષ્ટિકોણથી જોવાથી બાંગ્લાદેશના રાજદ્વારી વિકલ્પો મર્યાદિત થઈ શકે છે.

તારિક રહેમાન પાસે કયા હતા વિકલ્પો ?

જો આમંત્રણના ફોર્મેટ પર વાંધો હોત, તો બાંગ્લાદેશ પાસે અન્ય રાજદ્વારી વિકલ્પો હોઈ શક્યા હોત. તારિક રહેમાન પોતે BIMSTEC અધ્યક્ષ તરીકે ભાગ લઈ શક્યા હોત. તેમણે સ્પષ્ટતા કરી હોત કે તેમની હાજરી BIMSTECના પ્રતિનિધિ તરીકે હતી. તેમણે ભારત સાથેના તેમના દ્વિપક્ષીય મુદ્દાઓને અલગ રાખ્યા હોત અને ચીન, રશિયા, ભારત, ઇન્ડોનેશિયા, ગલ્ફ દેશો અને અન્ય BRICS દેશોના નેતાઓ સાથે બાંગ્લાદેશના આર્થિક હિતોની ચર્ચા કરી હોત. આનાથી બાંગ્લાદેશની સ્થિતિ સ્પષ્ટ થઈ હોત અને સંવાદના રસ્તા ખુલ્લા રહ્યા હોત.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં Imran Khanની બહેનોની અટકાયત, PTIના વિરોધ પ્રદર્શન પહેલા કાર્યવાહી