નેસેટમાં ભારે હોબાળો ત્યારે મચ્યો જ્યારે નેતન્યાહૂની પત્ની સારા નેતન્યાહૂ અને તેમના મુખ્ય રાજકીય વિરોધી નફતાલી બેનેટમાં ઝઘડો થયો હતો. 

સરકાર પર ઉઠ્યા તીખા સવાલ 

સંસદમાં બેન્જામિન નેતન્યાહૂના ભાષણ દરમિયાન, ભૂતપૂર્વ વડા પ્રધાન નફતાલી બેનેટે અચાનક તેમને અટકાવ્યા હતા. બેનેટે નેતન્યાહૂના સલાહકારોના કતાર સાથેના કથિત સંબંધો અને 7 ઓક્ટોબરના હમાસ હુમલાઓની તપાસ અંગે સરકાર પર તીખા સવાલ ઉઠાવ્યા. આ મુદ્દો સંસદમાં ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે, તેથી બેનેટના પ્રશ્નોએ વાતાવરણ ગરમાવ્યું. ચર્ચા ફક્ત બે નેતાઓ સુધી મર્યાદિત ન હતી. પ્રેક્ષકોની ગેલેરીમાં બેઠેલી નેતન્યાહૂની પત્ની સારા નેતન્યાહૂ પણ આ વિવાદમાં સામેલ થયા હતા. 

ગૃહમાં હંગામો અને ઘોંઘાટ 

ગૃહમાં હંગામો અને ઘોંઘાટ એટલો તીવ્ર બન્યો કે પોડિયમ પરથી રાષ્ટ્રીય એકતા પર ભાષણ આપી રહેલા વડા પ્રધાન નેતન્યાહૂ વિચલિત થઈ ગયા. નેતન્યાહૂએ પોતાનું ભાષણ રોકીને આગળની હરોળમાં થયેલી તકરાર પર ધ્યાન આપવું પડ્યું. જ્યારે વડા પ્રધાને એકતાની અપીલ કરી, ત્યારે તેમની પત્ની અને વિપક્ષી નેતા વચ્ચે જાહેરમાં શબ્દોની આપ-લેથી સમગ્ર ગૃહમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતુ. 

રાજકીય અનિશ્ચિતતા અને ચૂંટણીઓનો પ્રભાવ

આ ઘટના ઇઝરાયલના વર્તમાન રાજકીય તણાવ અને નેતન્યાહૂના નેતૃત્વને લગતા પ્રશ્નોને પ્રતિબિંબિત કરે છે. તાજેતરની 27 ઓક્ટોબરની સામાન્ય ચૂંટણીઓમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી, જેનાથી રાજકીય અનિશ્ચિતતા વધુ ઘેરી બની હતી. આ ચૂંટણીઓમાં સૌથી વધુ બેઠકો ધરાવતા ઉમેદવાર તરીકે ગાડી આઇઝેનકોટ ઉભરી આવ્યા. રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે રવિવારે આઇઝેનકોટને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. લઘુમતી સરકાર બનાવવાની શક્યતા શોધવા માટે તેમની પાસે 28 દિવસનો સમય છે.

આ પણ વાંચોઃ પાંચ દેશમાં સત્તા બદલનાર Gen Z યુવાનો યુદ્ધ લડવા તૈયાર નથી, ત્રણ આંકડાકીય સર્વેએ દુનિયાની ચિંતા વધારી