જયશંકરે આ ટિપ્પણી ભારત-અમેરિકા સંબંધોના વધુ વિકાસમાં કયા મુદ્દાઓ અવરોધરૂપ છે તે અંગેના પ્રશ્નના જવાબમાં કરી હતી.
પાકિસ્તાન પર પ્રહાર
વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું છે કે આતંકવાદ અંગે ભારતની ચિંતાઓ પ્રત્યે અમેરિકાની અસંવેદનશીલતા બંને દેશો વચ્ચેના સંબંધો માટે સમસ્યા છે. ન્યૂયોર્કમાં એશિયા સોસાયટીના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે આતંકવાદ ભારત માટે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને જો તેનો યોગ્ય રીતે ઉકેલ લાવવામાં નહીં આવે, તો તે સંબંધોને અસર કરી શકે છે. જયશંકરે પાકિસ્તાનનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેમણે એક પાડોશી દેશનો ઉલ્લેખ કર્યો હતો જે આતંકવાદનો નીતિ તરીકે ઉપયોગ કરે છે.
આતંકવાદનો મુદ્દો ભારત માટે મહત્વપૂર્ણઃ એસ.જયશંકર
અહીં આતંકવાદ વિશે બોલતા, એસ.જયશંકરે કહ્યું કે, કદાચ બહુ ઓછા દેશોએ એવા આતંકવાદનો સામનો કર્યો હશે. જેનો સામનો આપણે કોઈ પાડોશી દેશ તરફથી કર્યો છે. આ ઘણા દાયકાઓથી ઇરાદાપૂર્વકની નીતિનો ભાગ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ જ કારણ છે કે, આતંકવાદનો મુદ્દો ભારત માટે ખાસ મહત્વપૂર્ણ છે. જયશંકરે કહ્યું કે, જો કોઈ મુદ્દો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પૂરતી સમજણ, સંવેદનશીલતા અથવા સહાનુભૂતિ નથી, તો મને લાગે છે કે તે સમસ્યાઓ ઊભી કરે છે.
ભારતનું શું છે લક્ષ્ય?
પાકિસ્તાનના કિસ્સામાં, ટ્રમ્પે આતંકવાદના મુદ્દાથી પોતાને દૂર રાખ્યા છે. જે અગાઉના યુએસ વહીવટીતંત્રની નીતિથી બદલાવ છે. અગાઉ, અમેરિકાએ વૈશ્વિક આતંકવાદને ટેકો આપવામાં ઇસ્લામાબાદની ભૂમિકાને સ્વીકારી હતી. આ મુદ્દો ખાસ કરીને 2001માં ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોશિંગ્ટન નજીક પેન્ટાગોન પર થયેલા અલ-કાયદાના હુમલા પછી સામે આવ્યો હતો. અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યા પછી આ હુમલાઓમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે પ્રશ્નો વધુ ઉભા થયા હતા. ટ્રમ્પે આ તથ્યોને અવગણ્યા છે અને પાકિસ્તાન સાથે તેમની નિકટતા વધારી છે, જે ભારતને ક્યારેય ગમ્યું નથી.
આ પણ વાંચોઃ ચેટજીપીટીની સેફ્ટી પર સંકટના વાદળો, ફ્લોરિડામાં કેસ અને નવું AI મોડેલ અટક્યું!
