વર્તમાન સમયમાં પાકિસ્તાન ઈતિહાસની સૌથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. મોંઘવારી અને વિદેશી દેવાના બોજ હેઠળ દબાયેલા આ દેશ માટે સાઉદી અરેબિયા ફરી એકવાર મસીહા બનીને સામે આવ્યું છે. પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે વોશિંગ્ટનમાં IMF અને વર્લ્ડ બેંકની બેઠકો દરમિયાન જાહેરાત કરી છે કે સાઉદી અરેબિયા પાકિસ્તાનને $3 બિલિયન (અંદાજે ₹25,000 કરોડથી વધુ) ની વધારાની નાણાકીય સહાય આપવા માટે સંમત થયું છે.
પાકિસ્તાન માટે જીવનરેખા સમાન સહાય
આ સહાય એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાન પાસે વિદેશી હૂંડિયામણનો ભંડાર તળિયે પહોંચ્યો છે અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ તેના $3.5 બિલિયન પરત કરવાની માંગ કરી છે. સાઉદી અરેબિયાએ માત્ર નવી લોન જ નથી આપી, પરંતુ તેની અગાઉની $5 બિલિયનની ડિપોઝિટને પણ લાંબા ગાળા માટે લંબાવી દીધી છે. આ નાણાકીય ટેકાથી પાકિસ્તાન ડિફોલ્ટ થવાથી બચી જશે અને તેના આંતરરાષ્ટ્રીય લેણાંની ચુકવણી કરવામાં સરળતા રહેશે.
પીએમ શાહબાઝ શરીફની સાઉદી મુલાકાત
આ નાણાકીય જાહેરાત વચ્ચે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આજે, ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ, એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સાઉદી અરેબિયા પહોંચી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ નાણાકીય સહાય માટે આભાર માનવો અને ભવિષ્યમાં રોકાણના નવા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવાનો છે.
સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારી
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો હવે માત્ર આર્થિક લેવડ-દેવડ પૂરતા મર્યાદિત નથી રહ્યા. પાકિસ્તાને તાજેતરમાં જ સાઉદી અરેબિયામાં તેના સૈનિકો અને ફાઇટર જેટ્સ મોકલ્યા છે. સપ્ટેમ્બર 2025 માં થયેલા 'વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર' મુજબ, બંને દેશો એકબીજાના રક્ષણ માટે કટિબદ્ધ છે. આ કરાર હેઠળ કોઈ એક દેશ પરનો હુમલો બંને દેશો પરનો હુમલો માનવામાં આવશે.
આ પણ વાંચોઃ પાણીની અંદર છુપાયેલું 'સાઈલન્ટ કિલર', આગ વગર કેવી રીતે ફાટે છે માઇન્સ?