રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર મહિનામાં ભારતના રાજકીય પ્રવાસ પર આવી રહ્યા છે. હાલ માહિતી મળી રહી છે રોસકોંગ્રેસ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રશિયા-ભારત ફોરમના પૂર્ણ સત્રનું આયોજન કરે તેવી અપેક્ષા છે. ક્રેમલિન દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે. હવે, રોસકોંગ્રેસે પુષ્ટિ આપી છે કે તેઓ 5 ડિસેમ્બરે આવશે. ભારતની તેમની મુલાકાત દરમિયાન, તેઓ સંરક્ષણ સહયોગ પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
2021ની ડિસેમ્બર પછી પુતિનની પહેલી ભારત યાત્રા
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની આ મુલાકાત દરમિયાન એર ડિફેન્સ સિસ્ટમ S-400 અને લડાકૂ વિમાન Su-57 ની ખરીદી અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ પહેલાં તેમણે ડિસેમ્બર 2021માં ભારતની મુલાકાત લીધી હતી. તેથી તેમની આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે અમેરિકા ભારત પર રશિયાથી તેલ ન ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે. વ્લાદિમિર પુતિનની આ ભારત યાત્રા પર અમેરિકા પણ નજર રાખશે. આ પહેલાં ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સારા હોવાનું જણાવ્યું હતું.










