સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી (UNHCR) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા અહેવાલ મુજબ, વિશ્વમાં શરણાર્થી સંકટ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગયું છે. હાલમાં દુનિયાભરમાં આશરે 11.78 કરોડ લોકો યુદ્ધ, હિંસા અથવા ઉત્પીડનને કારણે પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. આ આંકડો દર્શાવે છે કે આજે દુનિયાનો દર 70મો વ્યક્તિ જબરન વિસ્થાપિત થઈ ચૂક્યો છે. આ અહેવાલમાં આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે આ શરણાર્થીઓનો સૌથી વધુ બોજ એશિયા, આફ્રિકા અને મિડલ ઈસ્ટના દેશો ઉઠાવી રહ્યા છે, જ્યારે માનવાધિકારની મોટી વાતો કરતા પશ્ચિમી દેશો આ જવાબદારીમાંથી પાછળ હટી રહ્યા છે.
પશ્ચિમી દેશોની નીતિઓ પર સવાલ
જો કે યુરોપ હજુ પણ 1.32 કરોડ શરણાર્થીઓ સાથે સૌથી વધુ આશરો આપતા વિસ્તારોમાં સામેલ છે, પરંતુ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં શરણ લેનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024માં કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ફ્રાન્સમાં રેકોર્ડ 1.88 લાખ લોકોએ આશરો લીધો હતો, જે 2025માં ઘટીને માત્ર 81 હજાર થઈ ગયો છે. વર્ષ 2025 દરમિયાન કેનેડામાં 38,800, ઓસ્ટ્રેલિયામાં 18,800, અમેરિકામાં 11,500 અને ફ્રાન્સમાં માત્ર 3,100 વિસ્થાપિતોને શરણ મળી શકી છે.













