રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવાઈ હુમલાઓ અત્યંત તીવ્ર બન્યા છે. શનિવારે બંને દેશોએ એકબીજા પર મોટા પાયે ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં યુક્રેનમાં રશિયન હુમલાઓને કારણે ઓછામાં ઓછા 10 નાગરિકોના મોત થયા છે. બીજી તરફ, રશિયાએ દાવો કર્યો છે કે યુદ્ધ શરૂ થયા બાદ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ રાતોરાત રેકોર્ડ 1,246 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે.
હુમલામાં 10 નાગરિકોના મોત
યુક્રેનની રાજ્ય કટોકટી સેવા અનુસાર, ઉત્તરી ચેર્નિહિવ પ્રદેશના નિઝિનમાં થયેલા રશિયન હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા અને સાત ઘાયલ થયા હતા, જ્યારે રાજધાની કિવમાં એક મહિલાનું મોત થયું અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત, રશિયાના કબજા હેઠળના દક્ષિણ ઝાપોરિઝ્ઝિયા પ્રદેશમાં ક્રેમલિન સમર્થિત અધિકારીઓએ જણાવ્યું કે યુક્રેનિયન ડ્રોન હુમલામાં એક હોસ્પિટલ વાહન નિશાન બનતા એક નર્સ અને ડ્રાઇવરનું મોત થયું છે તથા મુખ્ય ચિકિત્સક સહિત બે લોકો ઘાયલ થયા છે.
યુક્રેનના ઊર્જા માળખાને રશિયાએ બનાવ્યું નિશાન
રશિયાએ ખાસ કરીને યુક્રેનના ઊર્જા માળખાને નિશાન બનાવ્યું છે. યુક્રેનિયન વાયુસેનાએ 162 માંથી 141 રશિયન ડ્રોન તોડી પાડ્યા હોવા છતાં, રશિયન સંરક્ષણ મંત્રાલયે બિલા ત્સર્કવામાં પાવર પ્લાન્ટ અને કિવમાં ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન પર હુમલાની પુષ્ટિ કરી છે. બિલા ત્સર્કવામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. કિવના મેયર વિટાલી ક્લિટ્શ્કોએ શહેરના કેટલાક ભાગોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ જવાની ચેતવણી આપી છે. યુક્રેને આરોપ લગાવ્યો છે કે રશિયા શિયાળા પહેલા તેના પાવર ગ્રીડને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
1,246 ડ્રોન તોડી પાડવાનો દાવો
વળતા પ્રહારમાં યુક્રેને પણ પોતાના સ્વદેશી લાંબા અંતરના ડ્રોન વડે રશિયાના આંતરિક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. રશિયન સંરક્ષણ મંત્રાલયે રાતોરાત 1,246 ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે, જ્યારે મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિન મુજબ મોસ્કો તરફ આવતા 462 ડ્રોનમાંથી મોટાભાગના નાશ કરાયા હતા.
યુક્રેને પણ કર્યો દરિયાઇ ડ્રોનથી હુમલો
દક્ષિણ રોસ્ટોવ પ્રદેશમાં 50થી વધુ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હોવા છતાં, મીડિયા રિપોર્ટના દાવા મુજબ નોવોશાખ્તિન્સ્કની એક મુખ્ય તેલ રિફાઇનરીમાં ડ્રોન ટકરાતા ભીષણ આગ લાગી હતી. પૂર્વીય સમારા પ્રદેશમાં સરકારી તેલ કંપની 'ટ્રાન્સનેફ્ટ'ના ચાર તેલ પાઇપલાઇન જંકશનને નિશાન બનાવાયું હતું, જોકે ગવર્નરે હુમલો નિષ્ફળ ગયો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત, પશ્ચિમ બ્રાયન્સ્ક ક્ષેત્રમાં એક કંપની બસ પર ડ્રોન હુમલામાં નવ લોકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહના અંતે પણ યુક્રેને લિબિયાના બંદરે રશિયન નૌકાદળના જહાજ પર દરિયાઈ ડ્રોનથી હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ પૂજા દરમિયાન આસન પાથરવું કેમ જરૂરી છે? જાણીને તમે ચોંકી જશો