હાલના વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ અને યુક્રેન સાથેના લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સપ્ટેમ્બરમાં યોજાનારી સંસદીય ચૂંટણીઓ પૂર્વે શાસક 'યુનાઇટેડ રશિયા' પાર્ટીની કોંગ્રેસને સંબોધતા પુતિને સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે દેશ હાલમાં એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જોકે, તેમણે આ પરિસ્થિતિને માત્ર એક પડકાર તરીકે નહીં, પરંતુ દેશને વધુ મજબૂત બનાવવાની તક તરીકે વર્ણવી હતી.
મુશ્કેલ સમય ઘણું બધુ શીખવી રહ્યો છેઃ પુતિન
રશિયાની રાજ્ય સમાચાર એજન્સી TASS ના અહેવાલ મુજબ, પુતિને જણાવ્યું હતું કે, "આ મુશ્કેલ સમય આપણને ઘણું શીખવી રહ્યો છે અને તેણે દેશને આંતરિક રીતે વધુ મજબૂત બનાવ્યો છે." રશિયા હાલમાં અનેક મોરચે દબાણ અનુભવી રહ્યું છે. ખાસ કરીને યુક્રેન યુદ્ધનને કારણે, રશિયાના સરહદી વિસ્તારોમાં સતત ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા છે. આ ઉપરાંત, પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોએ રશિયન અર્થતંત્ર સામે પણ અનેક મુશ્કેલીઓ ઉભી કરી છે.
રશિયાની સરકાર સુરક્ષા જાળવવા કટિબદ્ધ
રાષ્ટ્રપતિ પુતિને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમની સરકાર દેશ સામેના પડકારોથી સંપૂર્ણપણે વાકેફ છે. તેમણે જણાવ્યું હતું કે, "અમે માત્ર સમસ્યાઓનું નિરીક્ષણ નથી કરી રહ્યા, પરંતુ તેના નિરાકરણ માટે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ." પુતિને દેશના નાગરિકોને ખાતરી આપી હતી કે સરકાર રશિયાની સરહદોની અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
પુતિને દેશની સુરક્ષાને સર્વોપરી ગણાવી
પોતાના સંબોધનમાં તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે, રશિયાના પ્રદેશો અને મહત્વની માળખાગત સુવિધાઓ પર થઈ રહેલા આતંકવાદી કે અન્ય હુમલાઓને ડામવા માટે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે. પુતિનનું આ નિવેદન દેશની જનતામાં વિશ્વાસ જગાડવા અને આવનારી સંસદીય ચૂંટણીઓ પહેલા પોતાની પકડ મજબૂત કરવાના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. ભલે ગમે તેટલા બાહ્ય કે આંતરિક દબાણો હોય, રશિયન નેતૃત્વ અત્યારે કોઈ પણ સંજોગોમાં દેશની સુરક્ષાને સર્વોપરી ગણાવી રહ્યું છે. અંતમાં, તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે રશિયા આ કપરા સમયના પડકારોને ચોક્કસપણે પાર કરશે અને એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે.
આ પણ વાંચોઃ LPG ગેસ સબસિડી બંધ ના થઇ જાય? આજે જ કરી લો આ બાકી કામ!