Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. રશિયાએ ફરી એકવાર યુક્રેનના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, દેશભરમાં રહેણાંક મકાનો અને માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. છેલ્લા બે મહિનામાં યુક્રેનમાં નાગરિકોના મૃત્યુઆંકમાં ભારે વધારો થયો છે. રશિયાએ પાવર પ્લાન્ટ્સ અને અન્ય માળખાગત સુવિધાઓ પર હુમલા તેજ કર્યા છે, જ્યારે યુક્રેને પણ રશિયાના વિવિધ વિસ્તારો પર હુમલા શરૂ કર્યા છે. બંને પક્ષોએ એકબીજાના જહાજોને પણ નિશાન બનાવ્યા છે.
શનિવાર સવારથી, રશિયાએ લગભગ 500 ડ્રોનનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોને નિશાન બનાવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર લખ્યું કે રશિયાએ આજ સવારથી યુક્રેનના લક્ષ્યો સામે લગભગ 500 ડ્રોન તૈનાત કર્યા છે. ઝેલેન્સકીએ કહ્યું, "રશિયનોએ યુદ્ધને માત્ર મોરચા (ફ્રન્ટ લાઇન) સુધી સીમિત ન રાખતા જ્યાં તેમને કોઈ સફળતા મળી નથી અર્થતંત્ર સુધી વિસ્તૃત કર્યું છે; તેમની વ્યૂહરચના ખૂબ જ સરળ છે. યુદ્ધના સમયની પરિસ્થિતિનો સામનો કરવામાં લોકોને મદદ કરતા કોઈપણ સ્થળનો નાશ કરવો." તેમણે કહ્યું કે રશિયાનો ઉદ્દેશ્ય યુક્રેનના અર્થતંત્રને નષ્ટ કરવાનો અને દેશના પ્રતિકારને તોડવાનો છે.
ક્રામટોર્સ્કમાં કાર પર હુમલો; ૩ના મોત
ક્રામટોર્સ્કના સિટી કાઉન્સિલે જે સરહદ પરનું એક મહત્વપૂર્ણ શહેર છે અને રશિયા તેના પર કબજો કરવા માંગે છે. તેમા જણાવ્યું હતું કે રશિયન દળોએ ખાનગી વાહનો પર હુમલો કર્યો હતો. આમાં 90 મિનિટના ગાળામાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લશ્કરી લક્ષ્યો નહોતા પરંતુ નાગરિકોના વાહનો હતા, અને પીડિતો માત્ર તેમના રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા. ક્રામટોર્સ્ક એ યુક્રેનના પૂર્વીય ડોનેત્સ્ક ઓબ્લાસ્ટમાં આવેલું એક મુખ્ય ઔદ્યોગિક અને વ્યૂહાત્મક શહેર છે. તે હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધનું કેન્દ્રીય અને અત્યંત સંવેદનશીલ કેન્દ્રબિંદુ છે.
ઝાયટોમીરમાં કરિયાણાની દુકાન પર હુમલો; બેના મોત
રાજધાની કિવની પશ્ચિમે આવેલા ઝાયટોમીર વિસ્તારમાં રશિયન હુમલામાં પણ બે લોકોના મોત થયા હતા. પ્રાદેશિક ગવર્નર વિતાલી બુનેચકોના જણાવ્યા અનુસાર, ઝ્વિયાહેલ (Zviahel) માં કરિયાણાની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, બે પેટ્રોલ પંપ અને વિદેશી રોકાણ ધરાવતી એક કંપની પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. અગાઉ, ઝેલેન્સકીએ દક્ષિણ-પૂર્વીય શહેર ઝાપોરિઝિયા અને તેમના વતન ક્રિવિ રિહ (Kryvyi Rih) પર થયેલા હુમલાઓ વિશે માહિતી આપી હતી.
ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને રાત્રિ દરમિયાન હુમલા
ઝપોરિઝિયા ક્ષેત્રના ગવર્નર ઇવાન ફેદોરોવે જણાવ્યું હતું કે ઝપોરિઝિયા અને અન્ય વિસ્તારોમાં થયેલા હુમલામાં બે લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. ક્રિવિ રિહ લશ્કરી વહીવટીતંત્રના વડા ઓલેક્સાન્ડર વિલકુલે જણાવ્યું હતું કે શહેર પર ડ્રોન અને મિસાઇલો દ્વારા કરવામાં આવેલા રાત્રિના હુમલામાં બે લોકો માર્યા ગયા હતા. રશિયન સૈન્યએ જણાવ્યું હતું કે તેના દળોએ ઝપોરિઝિયામાં યુક્રેનિયન સ્ટીલ ઉત્પાદક 'ઝપોરિઝસ્ટાલ', નિપ્રોમાં 'ઇન્ટરપાઇપ' સ્ટીલ કોમ્પ્લેક્સ અને ક્રિવિ રિહમાં 'નોર્ધન આયર્ન ઓર બેનિફિસિએશન વર્ક્સ' કોમ્પ્લેક્સ સહિતના અનેક પ્લાન્ટ્સ પર હુમલા કર્યા હતા.
કાળા સમુદ્રના બંદર શહેર ઓડેસામાં, પ્રાદેશિક ગવર્નર ઓલેહ કિપરે અહેવાલ આપ્યો હતો કે શનિવાર સાંજ સુધી ચાલુ રહેલા હુમલાઓમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. પૂર્વી ડોનેત્સ્ક ક્ષેત્રમાં રશિયાના નિયંત્રણ હેઠળના વિસ્તારોના વડાએ જણાવ્યું હતું કે યુક્રેનિયન ડ્રોન હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. યુક્રેનની પશ્ચિમી સરહદ પર આવેલા મોલ્ડોવામાં, સરહદ નજીક એક ડ્રોન જોવા મળ્યા બાદ સત્તાવાળાઓએ લગભગ એક કલાક માટે રાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું; સરહદ પાર કરવાના સાત માર્ગો કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. રશિયાએ યુક્રેનિયન બંદર પર હુમલો કર્યો.
રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન દળોએ યુક્રેનિયન બંદરો પર તેમના હુમલા ચાલુ રાખ્યા છે અને ઓડેસામાં એક કાર્ગો જહાજને નિશાન બનાવ્યું છે, જેના વિશે મંત્રાલયનો દાવો હતો કે તે લશ્કરી ઉપયોગ માટેનો સામાન લઈ જઈ રહ્યું હતું. અગાઉ, મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે તેના દળોએ રાત્રિ દરમિયાન ચોરનોમોર્સ્ક બંદર પર બે કાર્ગો જહાજો પર હુમલો કર્યો હતો.
યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે તેણે સમારા ક્ષેત્રના ટોલ્યાટ્ટીમાં રશિયાના સૌથી મોટા સિન્થેટિક રબર ઉત્પાદકોમાંના એક પર હુમલો કર્યો, જેના કારણે આગ લાગી હતી. સૈન્યએ નોંધ્યું હતું કે 'ટોલ્યાટ્ટીકાઉચુક' પ્લાન્ટ સિન્થેટિક રબર અને રશિયન મિસાઇલ બળતણમાં વપરાતા ફ્યુઅલ એડિટિવ્સના ઉત્પાદનમાં વિશેષતા ધરાવતો હતો.
સમારા ક્ષેત્રના ગવર્નર વ્યાચેસ્લાવ ફેદોરિશ્ચેવે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઔદ્યોગિક સુવિધાઓ પર યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જોકે તેમણે તેમાં સામેલ ડ્રોનના પ્રકાર કે નુકસાનની માત્રા વિશે સ્પષ્ટતા કરી ન હતી. ટોલ્યાટ્ટીના મેયર ઇલ્યા સુખિખે અહેવાલ આપ્યો હતો કે અનેક રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
આ પણ વાંચો: BRICS સમિતના બીજા દિવસે PM મોદીનો હુંકાર, કહ્યું - 'અમારી વિવિધતા જ અમારી ઓળખ છે'
