હુમલામાં 600 ડ્રોન અને 90 મિસાઇલો છોડવામાં આવી હતી. જેમાં ઓરેશ્નિક હાઇપરસોનિક મિસાઇલનો પણ સમાવેશ થાય છે.
ઓરેશ્નિક હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ
રશિયાએ યુક્રેનની રાજધાની કિવ અને આસપાસના વિસ્તારો પર મોટો હુમલો કર્યો હતો. યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ કુલ 90 મિસાઇલો અને 600 ડ્રોન છોડ્યા હતા. આ હુમલામાં અત્યંત ખતરનાક અને પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ માનવામાં આવતી ઓરેશ્નિક હાઇપરસોનિક મિસાઇલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 4 લોકો માર્યા ગયા અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘરો, શાળાઓ, દુકાનો અને અન્ય ઇમારતોને પણ નુકસાન થયું હતુ.
રશિયા સામે કાર્યવાહીની માંગ
ઝેલેન્સકીએ કહ્યું હતુ કે, રશિયાએ પાણી પુરવઠા સુવિધાઓને પણ નિશાન બનાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, રશિયા ઉનાળા પહેલા પાણી પુરવઠો ખોરવી નાખવા માંગે છે. તેમણે અમેરિકા અને યુરોપિયન દેશોને રશિયા સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. દરમિયાન, રશિયા કહે છે કેસ, આ હુમલો યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવેલા હુમલાનો બદલો લેવા માટે હતો. રશિયાનો દાવો છે કે, તેણે યુક્રેનિયન લશ્કરી સ્થાપનો, એરબેઝ અને લશ્કરી સુવિધાઓને નિશાન બનાવી હતી.
ત્રીજી વખત ઓરેશ્નિક મિસાઇલનો ઉપયોગ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલાથી જ કહ્યું છે કે, ઓરેશ્નિક મિસાઇલને અટકાવવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે તે અવાજની ગતિ કરતા 10 ગણી ઝડપે મુસાફરી કરે છે. ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ યુક્રેન સામે ઓરેશ્નિક મિસાઇલનો ઉપયોગ ત્રીજી વખત કર્યો છે. ઓરેશ્નિક મિસાઇલની રેન્જ હજારો કિલોમીટર છે અને તે પરમાણુ હથિયારો વહન કરવામાં સક્ષમ છે. હુમલા દરમિયાન, કિવમાં ગભરાયેલા રહેવાસીઓ મેટ્રો સ્ટેશનોમાં છુપાઈ ગયા હતા.
આ પણ વાંચોઃ હિમપ્રપાત થતા યાત્રાળુઓ અને સ્થાનિકોમાં ગભરાટ, સદનસીબે, કોઈ જાનહાનિ નહીં
