તાજેતરમાં યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ હુમલા બાદ મોસ્કોમાં એક એવી વિચિત્ર ઘટના બની, જેણે સ્થાનિક રહેવાસીઓને આઘાતમાં મૂકી દીધા છે: મોસ્કોના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદને બદલે 'કાળો, તેલયુક્ત વરસાદ' પડ્યો.
રિફાઇનરી પર હુમલાને કારણે વાતાવરણમાં ફેલાયું ધુમ્મસ
યુક્રેને લગભગ 200 ડ્રોનનો ઉપયોગ કરીને મોસ્કો નજીકની એક મુખ્ય તેલ રિફાઇનરીને નિશાન બનાવી હતી. આ હુમલા બાદ રિફાઇનરીમાં લાગેલી ભીષણ આગને કારણે વાતાવરણમાં ગાઢ કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. બીબીસીના અહેવાલ મુજબ, આ ધુમાડાના કણો અને હવામાં ઉડેલા તેલના અંશો વરસાદ સાથે મળીને નીચે પડવા લાગ્યા. પરિણામે, લોકોની કાર, ઘરની બારીઓ અને રસ્તાઓ પર એક ચીકણું કાળું પડ જામી ગયું હતું. આ ઘટનામાં મોસ્કો વિસ્તારમાં ૧૭ લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.
સરકારનો વિરોધાભાસી વલણ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આ ચીકણું પ્રવાહી લોકોના કપડાં અને ઘરની વસ્તુઓને ગંદી કરી રહ્યું છે. જોકે, શરૂઆતમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ આ સમગ્ર ઘટનાને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ જાહેરમાં એવું કહેવાનું ટાળ્યું હતું કે શહેરમાં કોઈ 'તેલનો વરસાદ' થઈ રહ્યો છે. પરંતુ બીજી તરફ, સરકારી ટેલિગ્રામ ચેનલો પરથી ત્વરિત આરોગ્ય ચેતવણીઓ જારી કરવામાં આવી હતી, જે તેમના પોતાના નિવેદનોથી તદ્દન વિપરીત હતી.
રહેવાસીઓ માટે સાવચેતીના પગલાં
પ્રાદેશિક સરકારે ગંભીરતા દર્શાવતા દક્ષિણપૂર્વ જિલ્લાના રહેવાસીઓને પોતાની બારીઓ ચુસ્તપણે બંધ રાખવાની સલાહ આપી હતી. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓને સલામત સ્થળે ખસી જવાની તાકીદ કરવામાં આવી હતી, કારણ કે આ ઝેરી કણો શ્વાસમાં જવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.
કાળો વરસાદ ભયાનક યુદ્ધની અસર
રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમણે ૨૪ કલાકમાં લગભગ 1000 ડ્રોન અને મિસાઇલોને આંતરી હતી. તેમ છતાં, સળગતી રિફાઇનરીમાંથી નીકળતો ધુમાડો અને ત્યારબાદ પડેલો આ કાળો વરસાદ યુદ્ધની ભયાનક પર્યાવરણીય અસરોને મોસ્કોના સામાન્ય નાગરિકોના ઘર સુધી લઈ આવ્યો છે. આ ઘટના સાબિત કરે છે કે યુદ્ધ માત્ર સરહદો કે સૈનિકો સુધી સીમિત નથી રહેતું, પરંતુ તે સામાન્ય લોકોના જીવન અને પર્યાવરણને પણ ઊંડી અસર પહોંચાડે છે.
આ પણ વાંચોઃ તમારી કાર વરસાદના પાણીમાં ક્યાંક ફસાઇ ગઇ છે?એ સમયે આ બાબતો ખાસ ધ્યાન રાખો