રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પના મધ્યસ્થતાના પ્રયાસોના પરિણામે યુક્રેનના ચોક્કસ વિસ્તારમાં સ્થાનિક યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. મેલાનિયા ટ્રમ્પે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી શેર કરી હતી.
ક્યાં અને ક્યારથી લાગુ થયો યુદ્ધવિરામ?
મેલાનિયા ટ્રમ્પની માહિતી અનુસાર, આ યુદ્ધવિરામ ૨૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મોસ્કો સમય મુજબ સવારે ૪:૦૦ વાગ્યાથી અમલમાં આવી ચૂક્યો છે. આ સીઝફાયર સમગ્ર યુદ્ધક્ષેત્ર માટે નથી, પરંતુ યુક્રેનના દક્ષિણ ખેરસન પ્રદેશમાં રશિયાના કબજા હેઠળ આવેલા 'ઓલેશ્કી' (Oleshky) શહેર અને તેની આસપાસના સીમિત ક્ષેત્ર પૂરતો જ મર્યાદિત છે.નાગરિકોની સુરક્ષા અને આવશ્યક માનવતાવાદી સહાય પહોંચાડવા માટે આ યુદ્ધવિરામ નિર્ધારિત સમયપત્રક કરતાં બે દિવસ પહેલા જ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રશિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના વડા જનરલ વેલેરી ગેરાસિમોવે પણ આ સ્થગિતતાની પુષ્ટિ કરી છે.
મેલાનિયા ટ્રમ્પની નિર્ણાયક ભૂમિકા
જ્યાં એક તરફ વૈશ્વિક સ્તરે અનેક રાજકીય પ્રયાસો યુદ્ધ અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યાં મેલાનિયા ટ્રમ્પે એક માનવતાવાદી મધ્યસ્થ તરીકે અત્યંત પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. ઓલેશ્કી શહેરમાં હજારો નિર્દોષ નાગરિકો અત્યંત ભયાનક સ્થિતિમાં ફસાયેલા હતા, જેઓ ખોરાક, પાણી અને જરૂરી દવાઓની કટોકટીનો સામનો કરી રહ્યા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે થઇ સીધી વાતચીત
મેલાનિયાએ રશિયા અને યુક્રેન બંને પક્ષોના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે વિસ્તારમાં માનવતાવાદી રાહત પહોંચાડવાના હેતુથી કામચલાઉ શાંતિ સ્થાપવા આગ્રહ કર્યો હતો. તેમના આ પ્રયાસોના કારણે હવે રાહત સામગ્રીના કાફલાઓ સુરક્ષિત રીતે અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી શકશે તેમજ જે નાગરિકો તે વિસ્તારમાંથી બહાર નીકળવા માંગે છે તેઓ સુરક્ષિત રીતે સ્થળાંતર કરી શકશે.
યુદ્ધની વર્તમાન સ્થિતિ
અત્રે નોંધનીય છે કે આ સીઝફાયર માત્ર એક ચોક્કસ ક્ષેત્ર પૂરતો મર્યાદિત હોવાથી યુક્રેનના અન્ય વિસ્તારોમાં લડાઈ યથાવત છે. કિવ સહિતના અન્ય શહેરો પર રશિયાના મિસાઈલ હુમલાઓ ચાલુ જ છે. તેમ છતાં, એક ચોક્કસ વિસ્તારના હજારો ફસાયેલા નાગરિકો માટે મેલાનિયા ટ્રમ્પનો આ માનવતાવાદી અભિગમ આશાનું કિરણ સાબિત થયો છે અને વિશ્વભરમાં તેમના આ કાર્યની સરાહના થઈ રહી છે.
આ પણ વાંચોઃ Cyclone Arnab: લેન્ડફોલ બાદ હવે અર્નબ ક્યાં જશે? શું છે લખનૌ ગોરખપુરનું આની સાથે કનેક્શન, જાણો?