રશિયાએ ફરી એક વાર યુક્રેન પર હવાઈ હુમલો કર્યો છે. ગઈકાલ રાત્રિએ 8 નવેમ્બરના રોજ રશિયન સેનાએ યુક્રેન પર 450થી વધુ ડ્રોન અને 45 મિસાઈલ દાગી હતી. આ એર સ્ટ્રાઈકમાં 7 લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે. સાથે જ યુક્રેનનું ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે. કિએવ, પોલ્ટાવા અને ખાર્કિવ શહેરો પર પણ રશિયાનો હુમલો થયો હતો. યુક્રેનની સેનાએ પણ આ હવાઈ હુમલાનો જવાબ આપ્યો અને અનેક ડ્રોન-મિસાઈલને આકાશમાં જ નષ્ટ કરવાનો દાવા કર્યો છે.
યુક્રેનનાં 3 મુખ્ય શહેરોને ભારે નુકસાન
મળતી માહિતી મુજબ રશિયન સેનાના હુમલાથી યુક્રેનનાં મુખ્ય શહેરોને ભારે નુકસાન થયું છે. દનિત્રો શહેરમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર ડ્રોન તૂટી પડ્યુ, જેના કારણે 3 લોકોનાં મોત અને 12 લોકો ઘાયલ થયા. ઝાપોરિઝ્ઝિયામાં ડ્રોન હુમલામાં 3 લોકોનાં મોત થયા, જ્યારે ખાર્કિવમાં એક વ્યક્તિનાં મોત થયાં છે. યુક્રેનની ઉર્જા પ્રધાન સ્વિત્લાના હ્રિનચુકે પુષ્ટિ કરી કે હવાઈ હુમલાથી એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે, પરંતુ ઇમરજન્સી ટીમોએ વીજ ગ્રિડને સ્થિર કરી દીધું છે. છતાં તેને સંપૂર્ણ રીતે ઠીક કરવા માટે રોલિંગ બ્લેકઆઉટ જરૂરત છે.













