રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ હવે વધુ ભીષણ અને વ્યાપક બની રહ્યો છે. તાજેતરમાં, રશિયાએ રાતોરાત યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલો અને ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે કિવના અનેક વિસ્તારોમાં મોટા વિસ્ફોટો સંભળાયા હતા અને વ્યાપારી ઇમારતોમાં ભીષણ આગ લાગી હતી. આ મધ્યરાત્રિના હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેનાથી સમગ્ર શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી.
રોમાનિયાના હવાઇ ક્ષેત્રમાં ઘૂસ્યું ડ્રોન
આ હુમલા દરમિયાન સંઘર્ષની સીમાઓ ફક્ત બે દેશો સુધી મર્યાદિત ન રહેતા નાટોના હવાઈ ક્ષેત્ર સુધી પહોંચી ગઈ હતી. યુક્રેનની સરહદ સાથે જોડાયેલા નાટો સભ્ય દેશ રોમાનિયાના હવાઈ ક્ષેત્રમાં એક રહસ્યમય ડ્રોન ઘૂસી આવ્યું હતું. રોમાનિયાના રડારે આ ડ્રોનને મોલ્ડોવા તરફથી આવતું શોધી કાઢ્યું હતું. તાત્કાલિક કાર્યવાહી કરતા, નાટો એર પોલીસિંગ મિશન હેઠળ તૈનાત સ્પેનિશ F-18 ફાઇટર જેટે પરવાનગી લઈને સવારે આ ડ્રોનને આકાશમાં જ તોડી પાડ્યું હતું. આ ડ્રોનના ટુકડાઓ બે ગામો વચ્ચેના નિર્જન વિસ્તારમાં પડ્યા હતા. આ વર્ષે રોમાનિયામાં નાટો દ્વારા તોડી પાડવામાં આવેલું આ ચોથું ડ્રોન છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય બન્યો છે.
યુક્રેને રશિયાને આપ્યો વળતો જવાબ
બીજી બાજુ, યુક્રેને પણ ચૂપ બેસી રહેવાને બદલે રશિયાને વળતો જવાબ આપ્યો છે. કિવ પરના હુમલા વચ્ચે યુક્રેને રશિયાના મોસ્કો ક્ષેત્ર અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. મોનિટરિંગ ચેનલોના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન હુમલાના કારણે મોસ્કો નજીક આવેલા કોલેડિનો ગામ પાસે રશિયાના મુખ્ય ઓનલાઈન રિટેલર 'વાઇલ્ડબેરી'ના વેરહાઉસમાં અને ડોમોડેડોવોના લોજિસ્ટિક્સ સંકુલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ચેખોવ વિસ્તારમાં પણ યુક્રેનિયન હુમલા અને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય થયા હોવાના અહેવાલ મળ્યા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વધુ વકર્યુ
ઉલ્લેખનીય છે કે યુક્રેન હવે રશિયાની અંદર ઊંડે સુધી વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકીએ પુષ્ટિ કરી હતી કે યુક્રેનિયન દળોએ સ્વદેશી ફ્લેમિંગો મિસાઇલોથી સવાલિકા લશ્કરી એરબેઝ અને રોસકોસ્મોસની સુવિધા પર પણ હુમલા કર્યા હતા. બાલ્ટિક સમુદ્ર પરના રશિયન બંદર પર પણ હુમલાઓ દ્વારા પ્રોસેસિંગ પ્લાન્ટ્સને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટનાઓ દર્શાવે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ હવે માત્ર સરહદી લડાઈ ન રહેતા વૈશ્વિક સુરક્ષા માટે પણ મોટો ખતરો બની રહ્યું છે.
આ પણ વાંચોઃ Free Wi-Fi વાપરવાની ટેવ કરી શકે છે બેંક ખાતાને સફાચટ, આ રીતે બચો!