યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે શાંતિની આશા ત્યારે ધૂંધળી બની ગઈ, જ્યારે અબુ ધાબીમાં યોજાનારી શાંતિ મંત્રણા પહેલા જ રશિયાએ યુક્રેન પર મોટો ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો. મંગળવારની રાત્રે રશિયાએ યુક્રેનના અનેક વિસ્તારોને નિશાન બનાવીને રેકોર્ડ 32 બેલિસ્ટિક મિસાઇલો અને સેકડો ડ્રોન છોડ્યા હતા.
યુક્રેનના ઉર્જા માળખાને નિશાન
આ હુમલામાં ખાસ કરીને યુક્રેનના ઉર્જા માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું. પાવર ગ્રીડ, થર્મલ પ્લાન્ટ અને રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું. રાજધાની કિવમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ, જ્યાં વીજળી અને ગરમી બંધ થવાથી લગભગ 1,170 એપાર્ટમેન્ટ બિલ્ડિંગોમાં લોકો કડકડતી ઠંડીમાં ફસાઈ ગયા.
કિવમાં તાપમાન માઈનસ 20 ડિગ્રી
હુમલા સમયે કિવમાં તાપમાન માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. આ બોમ્બમારાથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોના જણાવ્યા મુજબ, રહેણાંક ઇમારતો, એક કિન્ડરગાર્ટન અને એક ગેસ સ્ટેશનમાં આગ લાગી હતી.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ગંભીર આરોપ
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રશિયાએ ઉર્જા માળખા પર હુમલા રોકવાનો જે વચન આપ્યો હતો, તે તોડી નાખ્યો છે. ઝેલેન્સકીના જણાવ્યા મુજબ, રશિયા શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈ યુક્રેનની પ્રજાને ડરાવી રહ્યું છે અને તેમને પાણી તથા ગરમી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખી રહ્યું છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટેએ આ હુમલાને શાંતિ વાટાઘાટો પહેલા “ખરાબ સંકેત” ગણાવ્યો. તેમણે જણાવ્યું કે નાટો દેશો યુક્રેનને હવાઈ સંરક્ષણ માટે જરૂરી 90 ટકા મિસાઇલો પૂરી પાડી રહ્યા છે.
ટ્રમ્પનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પુતિને 1 ફેબ્રુઆરી સુધી હુમલાઓ રોકવાનો વચન આપ્યો હતો, પરંતુ ઝેલેન્સકીએ આ દાવાને નકારી કાઢ્યો. તેમના જણાવ્યા મુજબ, રશિયાના સતત હુમલાઓ દર્શાવે છે કે શાંતિ ચર્ચા સરળ નથી. આ મોટા હુમલાએ સાબિત કરી દીધું છે કે શાંતિ વાટાઘાટો સામે હજી પણ અનેક પડકારો છે અને યુક્રેન સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ શરણાગતિ ક્યારેય સ્વીકારશે નહીં.
આ પણ વાંચો : US visa ban : 75 દેશોના વિઝા પ્રતિબંધ સામે અમેરિકામાં કાનૂની બળવો